VIDEO: પાટણની બીલિયા બેઠક પર ભાજપમાં ભડકો! ટિકિટ કપાતા ભગવતીબેનનું શક્તિપ્રદર્શન,‘પેરાશૂટ’ ઉમેદવાર સામે ગામ આખું મેદાનમાં
VIDEO: BJP erupts in Patan's Bilia seat! Bhagwatiben's show of strength after being denied ticket, entire village in the fray against 'Parachute' candidate |

VIDEO: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા પંચાયતની બીલિયા બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા આ બેઠક પર નવા ચહેરાને સ્થાન અપાતા પક્ષના પાયાના કાર્યકરો અને સક્રિય આગેવાનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને વિવિધ હોદ્દાઓ સંભાળનારા ભગવતીબેન મફતલાલ પટેલે પક્ષ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપના વોટબેંકમાં મોટા ગાબડાના સંકેતો મળી રહ્યા છે.
‘પેરાશૂટ’ ઉમેદવાર અને અધૂરા કામોનો વિરોધ
સ્થાનિકોનો આરોપ છે કે ભાજપે એવા ઉમેદવારને ટિકિટ આપી છે જેમની પક્ષમાં કોઈ સક્રિય ભૂમિકા નહોતી, જેને લોકો 'પેરાશૂટ ઉમેદવાર' ગણાવી રહ્યા છે. બીજી તરફ, બીલિયા ગામમાં છેલ્લા ચાર વર્ષથી મુખ્ય રસ્તાનું કામ અધૂરું હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે લોકોએ ચૂંટણીના માધ્યમથી પોતાનો અવાજ બુલંદ કર્યો છે.
ગામનું અપક્ષ ઉમેદવારને સમર્થન
આશ્ચર્યની વાત એ છે કે બીલિયા સીટ પર જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ હોવા છતાં ગામને વિકાસના કામોની ફાળવણીમાં અન્યાય થયો હોવાની લાગણી ગ્રામજનોમાં વ્યાપી છે. આ અન્યાય સામે આખું ગામ હવે અપક્ષ ઉમેદવાર ભગવતીબેનના સમર્થનમાં જોડાયું છે. ભાજપના સત્તાવાર ઉમેદવાર રીટાબેન માટે આ સ્થિતિ પડકારજનક બની રહી છે, કારણ કે એક તરફ કોંગ્રેસ અને બીજી તરફ પક્ષના જ બળવાખોર નેતા સામે તેમનો મુકાબલો છે.





