મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કચ્છમાં ચૂંટણી પૂર્વે ખૂની ખેલનો પ્રયાસ! કેરા જિલ્લા પંચાયતના કોંગ્રેસ ઉમેદવાર ગોવિંદ બરાડિયા પર જીવલેણ હુમલો!

VIDEO: સરહદી જિલ્લા

તસવીર: GSTV

VIDEO: સરહદી જિલ્લા કચ્છમાં ચૂંટણીના માહોલ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવો ઘાટ સર્જાયો છે. કેરા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ગોવિંદ બરાડિયા પર મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવવાનો પ્રયાસ કરતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી.

વરલી નજીક આંતરીને કર્યો હુમલો
મળતી વિગતો અનુસાર,  ગત રાત્રે આશરે 9:30 વાગ્યાના અરસામાં ગોવિંદ બરાડિયા ભુજથી પોતાનું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વરલી ગામ નજીક નંબર પ્લેટ વગરની સફેદ અલ્ટો કારમાં સવાર થઈ આવેલા શખ્સોએ તેમનું વાહન રોકાવ્યું હતું. હુમલાખોરોએ ઉમેદવારને ટાર્ગેટ બનાવી ધાક-ધમકી આપી હતી અને લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદનસીબે સામેથી અન્ય વાહન આવી જતાં હુમલાખોરો ગભરાઈને ત્યાંથી પલાયન થઈ ગયા હતા.

CCTVમાં કેદ થયા પુરાવા
હુમલાખોરો જે અલ્ટો કારમાં આવ્યા હતા તે હાજાપર અને થરાવડા ગામના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હુમલાખોરોએ પકડાઈ ન જવાય તે માટે કારની નંબર પ્લેટ હટાવી દીધી હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં ઉમેદવાર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ઘટનાએ રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.

પોલીસ તપાસ અને સુરક્ષા પર સવાલ
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ચૂંટણીના ટાણે જ ઉમેદવાર પર થયેલા આ હુમલાએ પોલીસ તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આ સમાચાર શેર કરો