મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV ઓરિજિનલ

VIDEO: ANDARNI VAAT / કરનાલમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગના નામે ખેલ, ખેડૂતો સાથે છેતરપિંડી થતાં અનાજ મંડીમાં પ્રચંડ વિરોધ!

હરિયાણાના કરનાલ જિલ્લાની અનાજ મંડીમા

તસવીર: gstv

હરિયાણાના કરનાલ જિલ્લાની અનાજ મંડીમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગના નામે મકાઈના ખેડૂતો સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવતાં ભારે હોબાળો મચી ગયો છે. કથિત છેતરપિંડીનો ભોગ બનેલા આક્રોશિત ખેડૂતોએ મકાઈના પાકની સરકારી ખરીદી શરૂ કરવાની અને દોષિત કંપની વિરુદ્ધ તાત્કાલિક એફ.આઈ.આર. નોંધવાની માંગ સાથે મંડી પરિસરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. પીડિત ખેડૂત મહેન્દ્ર સિંહે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ખાનગી એજન્સીઓએ કરાર મુજબ નિયત ભાવે પાક ખરીદવાનો ઇનકાર કરી દેતાં ખેડૂતો આર્થિક બરબાદીના આરે આવીને ઊભા રહ્યા છે. છેતરાયાની ભાવના સાથે સેંકડો ખેડૂતો પોતાની ઉપજ લઈને અનાજ બજારમાં એકઠા થયા હતા અને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો..

ખેડૂતોના આ ન્યાયિક આંદોલનને સમર્થન આપવા માટે ભારતીય કિસાન યુનિયનના વરિષ્ઠ નેતાઓ પણ મેદાનમાં ઉતરી આવ્યા હતા.. કિસાન નેતા જગદીપ ઓલખ અને બહાદુર મેહલાએ સંયુક્ત નિવેદનમાં પ્રશાસનને આડે હાથ લેતા ચેતવણી આપી હતી કે, જો છેતરપિંડી આચરનારી કંપની સામે કાયદેસરના કડક પગલાં લેવામાં નહીં આવે અને ખેડૂતોની મકાઈના એક-એક દાણાની ખરીદી સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનશે. ખેડૂત સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ઓથા હેઠળ ખેડૂતોને પાયમાલ કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે, જે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. આ મામલે હવે સ્થાનિક વહીવટી તંત્ર અને માર્કેટ યાર્ડના અધિકારીઓ શું મધ્યસ્થી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે..

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

આ સમાચાર શેર કરો