મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: બિહારના સમસ્તીપુરમાં સનસનાટી, શાળાએ જતી 15 વર્ષની વિધાર્થીનીની જાહેરમાં ગોળી મારીને હત્યા

બિહારના સમસ્તીપુર જિલ્લામાં સોમવારે સવારે એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. પૂસ

તસવીર: gstv

બિહારના સમસ્તીપુર જિલ્લામાં સોમવારે સવારે એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. પૂસા વૈની થાણા વિસ્તારમાં સાયકલ પર શાળાએ જઈ રહેલી 15 વર્ષની સગીર વિદ્યાર્થિનીની રસ્તે આંતરીને ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

સાયકલનો પીછો કરીને તાબડતોબ ફાયરિંગ

મૃતક વિદ્યાર્થિનીની ઓળખ પૂસા વૈની થાણા વિસ્તાર નિવાસી સોનમ કુમારી તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ, સોનમ દરરોજની જેમ સવારે પોતાની સાયકલ પર કસ્તૂરબા બાલિકા ઉચ્ચ વિદ્યાલય જઈ રહી હતી. મંગળ સ્થાન નજીક પલ્સર બાઇક પર આવેલા એક અજ્ઞાત યુવકે તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. કેજિયા વોર્ડ-13 પાસે પહોંચતા જ બાઇકસવારે સાયકલને ઓવરટેક કરી સામેથી પિસ્તોલ કાઢીને સોનમ પર તાબડતોબ ફાયરિંગ કરી દીધું હતું. તેને ચાર ગોળીઓ વાગતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ઘટનાસ્થળેથી 4 કારતૂસ મળી આવ્યા, FSLની ટીમ તપાસમાં જોતરાઈ

હત્યા કર્યા બાદ આરોપી બાઇક પર ફરાર થઈ ગયો હતો. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના લોકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વૈની થાણા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અને રોષે ભરાયેલા ગ્રામજનો તેમજ પરિજનો વચ્ચે થોડીવાર માટે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી. બાદમાં પરિજનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ લઈ ગયા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી ચાર ખાલી કારતૂસ (ખોખા) જપ્ત કર્યા છે. પોલીસ અધિક્ષકના આદેશ બાદ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે અને આસપાસના CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.

તપાસ માટે SITની રચના

સદર DSP-1 સંજય કુમાર પાંડેએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં પરિવારજનો તરફથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી છે, જેના આધારે શંકાસ્પદ આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે અને આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો