બિહારના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત: નીતિશ કુમારને મળ્યા આરસીપી સિંહ, JDUમાં વાપસીની ચર્ચા તેજ

બિહારના રાજકારણમાં શનિવારે એક મોટા ઉલટફેરના સંકેત મળ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહ ઉર્ફે આરસીપી સિંહે પટનામાં JDU અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. '7 સર્કુલર રોડ' સ્થિત બંગલા પર અન્ય નેતાઓની હાજરીમાં થયેલી આ મુલાકાતની તસવીર ખુદ આરસીપી સિંહે સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં નીતિશ કુમારની પાર્ટીના ક્વોટામાંથી કેન્દ્રમાં મંત્રી બન્યા બાદ આરસીપી સિંહે જેડીયુને મોટો ઝટકો આપ્યો હતો અને બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.
આરસીપી સિંહ સાથેની આ મુલાકાતને નીતિશ કુમારની 'માફી' તરીકે જોવામાં આવી રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ થઈ ગઈ છે કે આરસીપી સિંહ ફરીથી જેડીયુમાં સામેલ થઈ શકે છે. જો આવું થશે, તો જેડીયુમાં સંજય ઝા અને લલન સિંહ દ્વારા ગોઠવાયેલી નવી વ્યવસ્થામાં ભંગાણ પડી શકે છે. આરસીપી સિંહની વાપસી નીતિશ કુમારના બદલાતા રાજકીય મૂડ તરફ ઈશારો કરે છે.
મુલાકાત આત્મીય રહી, પણ સસ્પેન્સ યથાવત
આરસીપી સિંહે ફેસબુક પર ફોટો શેર કરીને આને એક 'આત્મીય મુલાકાત' ગણાવી છે, પરંતુ તેઓ મીડિયા સાથે કોઈ વાતચીત કર્યા વિના જ ત્યાંથી નીકળી ગયા હતા. આ બાબત ઈશારો કરે છે કે જો તેઓ જેડીયુમાં પાછા ફરવા માંગતા હોય, તો પણ હજુ 'જો અને તો' ના સમીકરણો ઉકેલાવામાં થોડો સમય લાગશે.
આરસીપી સિંહ નીતિશ કુમારના ઘરે આશરે ૨૦ મિનિટ સુધી રોકાયા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું: "આજે બિહારના પૂર્વ મુખ્યમંત્રી, જનતા દળ (યુનાઇટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ, અમારા નેતા આદરણીય નીતિશ બાબુ સાથે મુલાકાત થઈ. તેમની સાથે વાતચીત થઈ અને આ મુલાકાત ખૂબ જ આત્મીય રહી."
'સમય હંમેશા એક સરખો નથી રહેતો'
મુલાકાત બાદ આરસીપી સિંહે જણાવ્યું કે નીતિશ કુમાર તેમને મળીને ખુશ દેખાતા હતા. મારું બેકગ્રાઉન્ડ નીતિશ કુમાર સાથે મળતું આવે છે અને તેઓ અમારા બધાના નેતા છે. જો રાજકારણ કરવું હોય તો આપણે સાથે રહેવું જોઈએ. પાર્ટીમાં મોટા અને નાના નેતાઓ વચ્ચે ક્યારેક કંઈક ને કંઈક ચાલતું રહે છે, પરંતુ સમય હંમેશા એક સરખો નથી રહેતો.
તેમણે વધુમાં ઉમેર્યું કે, "છેલ્લા ઘણા મહિનાઓથી જેડીયુના કાર્યકરો કહેતા હતા કે મારે જેડીયુમાં જ રહેવું જોઈએ અને આપણે સાથે કામ કરવું જોઈએ. આથી મને પણ લાગ્યું કે મારે સામેથી જઈને નીતિશ કુમારને મળવું જોઈએ. મુલાકાત ભલે ટૂંકી હતી, પણ તેમની બોડી લેંગ્વેજ ખૂબ જ સકારાત્મક હતી. અમે વર્ષો સુધી સાથે કામ કર્યું છે, તો અમારે એક જ જગ્યાએ રહેવું જોઈએ." આરસીપી સિંહ અગાઉ પણ નીતિશ કુમારને પોતાના વાલી અને આદર્શ નેતા ગણાવી ચૂક્યા છે.
૨૦૨૨ના વિવાદ પછી સંબંધો વણસ્યા હતા
વર્ષ ૨૦૨૨માં જેડીયુના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ આરસીપી સિંહે જે રીતે નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા, તેનાથી નીતિશ કુમાર ખૂબ નારાજ હતા. જેડીયુ છોડ્યા બાદ આરસીપી સિંહ ભાજપમાં જોડાયા હતા, પરંતુ ત્યાં તેમને ધારી સફળતા કે મહત્વ મળ્યું નહીં. ત્યારબાદ તેઓ થોડો સમય પ્રશાંત કિશોરની 'જન સુરાજ' પાર્ટીમાં પણ રહ્યા. હાલમાં કોઈ પક્ષમાં સક્રિય ન હોવાથી, આરસીપી સિંહ અને નીતિશ કુમારની આ અચાનક થયેલી મુલાકાતે જેડીયુ અને બિહારના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

