VIDEO: 'મોદીની દુનિયામાં સત્યને મિટાવી શકાય છે', જુઓ રાહુલ ગાંધીએ શું કહ્યું
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણમાંથી કેટલાક હિસ્સાને હટાવી દેવાતા પ્રતિક્રિયા આપ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણમાંથી કેટલાક હિસ્સાને હટાવી દેવાતા પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ દાવો કરતા કહ્યું કે, સત્યને કદાચ દબાવી શકાય પણ મિટાવી શકાતું નથી. તે હંમેશા સત્ય જ રહેશે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન હિન્દુઓ, અગ્નિવીર, લઘુમતીઓ અને હિંદુઓની હિંસા સાથે જોડાયેલી ટિપ્પણીઓને લોકસભાની કાર્યવાહીમાંથી હટાવી દીધી છે.
રાહુલ ગાંધીએ મંગળવારે સંસદની બહાર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'મોદીજીની દુનિયામાં સત્યને ભૂંસી શકાય છે, પરંતુ વાસ્તવિકતામાં સત્યને દૂર કરી શકાતું નથી. મારે જે કહેવું હતું એ મેં કહી દીધું. એ સાચું જ છે. એમાંથી તેઓ જેટલું ઈચ્છે તેટલું દૂર કરી શકે પણ સત્ય તો સત્ય જ રહે છે.'
જણાવી દઈએ કે, લોકસભામાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર ચાલી રહેલી ચર્ચાઓ દરમિયાન રાહુલ ગાંધીએ હિંદુઓ અંગે કરેલી ટિપ્પણી બાબતે શાસક પક્ષ તરફથી ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પીએમ મોદીએ કોંગ્રેસના નેતા પર સમગ્ર હિન્દુ સમુદાયને હિંસક ગણાવવાનો આરોપ લગાવ્યો હતો. કાઢી નાખવામાં આવેલા ભાગોમાંથી હિંદુઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ, આરએસએસ, ઉદ્યોગપતિ અદાણી, અંબાણી અને અગ્નિવીર યોજના પર કરવામાં આવેલી ટિપ્પણીના ભાગોને પણ દૂર કરવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીએ સંસદાં 90 મિનિટ કરતાં વધુ સમય સુધી વિવિધ મુદ્દે ટિપ્પણીઓ કરી હતી. જે બાબતે પીએમ મોદી ઉપરાંત ઓછામાં ઓછા પાંચ કેબિનેટ મંત્રીઓએ વાંધો વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માંગ કરી હતી કે રાહુલ ગાંધી હિન્દુઓ અંગેના તેમના નિવેદન બદલ માફી માંગે.
લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પોતાના પ્રથમ ભાષણમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'બધા ધર્મો હિંમતની વાત કરે છે.' કુરાન નિર્ભયતાની વાત કરે છે. ભગવાન શિવ, ગુરુ નાનક અને જીસસ ક્રાઈસ્ટની તસવીરો બતાવીને રાહુલ ગાંધીએ નિર્ભયતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ભગવાન શિવના ગુણો અને ગુરુ નાનક, જીસસ ક્રાઈસ્ટ, બુદ્ધ અને મહાવીરના ઉપદેશોને ટાંકીને તેમણે કહ્યું કે દેશના તમામ ધર્મો અને મહાન લોકોએ કહ્યું છે કે “ડરશો નહીં, ડરાવો નહીં”.






