VIDEO: Bharuch/ VIDEO: 'સુજલામ સુફલામ અભિયાન' વિવાદમાં; ગોચરની જમીન પર ખોદકામ અને માટીના વહીવટ અંગે ગ્રામજનોએ ઉઠાવ્યા સવાલ
આમોદ તાલુકાના આછોદ ગામે ‘સુજલામ સ
આમોદ તાલુકાના આછોદ ગામે ‘સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૨૬’ હેઠળ કાંસ ઊંડો કરવાની કામગીરી ગંભીર વિવાદોમાં સપડાઈ છે. સરકારી હુકમ મુજબ નિયત કરાયેલા સ્થળને બદલે પરમાર-સોલંકી સમાજની લાગણી દુભાય તે રીતે અને ગોચરની જમીન પર ખોદકામ શરૂ કરાતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
૧૮ માર્ચ ૨૦૨૬ના રોજ કાર્યપાલક ઇજનેર દ્વારા ૧.૨ મીટર પહોળાઈ અને ૨ કિમી લંબાઈમાં ખોદકામની મંજૂરી અપાઈ હતી. જોકે, વાસ્તવિક સ્થિતિ નિયમોથી તદ્દન વિપરીત હોવાનો આક્ષેપ કરી રોષે ભરાયેલા લોકોએ કામ અટકાવ્યું હતું. ગ્રામજનોનો દાવો છે કે, ખોદકામમાંથી નીકળતી ક્ષારયુક્ત માટી કોઈપણ લેબોરેટરી ટેસ્ટિંગ વગર દહેજ-આમોદ માર્ગ પ્રોજેક્ટમાં વપરાઈ રહી છે, જે રસ્તાની મજબૂતી સામે જોખમ ઊભું કરી શકે છે. આ ઉપરાંત, કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી માટી ગામની બહાર વેચીને ખાનગી આર્થિક ફાયદો મેળવવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો પણ ઉઠ્યા છે.
પરિસ્થિતિ વણસતા પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી. જોકે, આ સંવેદનશીલ સમયે સરપંચના પ્રતિનિધિ કે તલાટી હાજર ન રહેતા લોકોમાં અસંતોષ વધુ પ્રબળ બન્યો હતો. હાલ પોલીસની મધ્યસ્થતા બાદ ‘ચોક્કસ રેખાંકન’ થયા પછી જ કામ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમ છતાં, ગ્રામજનો હુકમ વિરુદ્ધ થયેલા ખોદકામ અને માટીના વહીવટ અંગે પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો જવાબદાર અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી, તો ગોચરની જમીન સાથે છેડછાડ કેમ થવા દીધી? વિકાસના નામે થયેલી આ કથિત બેદરકારી અને તંત્રના મૌન સામે અનેક શંકાઓ જન્મી છે.





