VIDEO: પ્રોફેસરે ક્લાસરૂમમાં જ વિદ્યાર્થી સાથે કર્યા લગ્ન, બંગાળી વિધિ મુજબ સેંથો પૂર્યો
પશ્ચિમ બંગાળમાં સરકારી મૌલાના અબુલ કલામ આઝાદ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી (MAKAUT) માં એપ્લાઇડ સાયકોલોજી વિભાગના મુખ્ય મહ
પશ્ચિમ બંગાળમાં સરકારી મૌલાના અબુલ કલામ આઝાદ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી (MAKAUT) માં એપ્લાઇડ સાયકોલોજી વિભાગના મુખ્ય મહિલા પ્રોફેસરએ તેમના પદ પરથી રાજીનામું આપવાની તૈયારી કરી છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાયરલ થયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે જેમાં તેઓ પોતાના જ વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે બંગાળી રીતિ-રિવાજ મુજબ વર્ગખંડમાં લગ્ન કરતા જોવા મળ્યા હતા.
આ વીડિયો 28 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો અને ત્યારથી આ મુદ્દાએ જોર પકડ્યું છે. યુનિવર્સિટી પ્રશાસને પ્રોફેસરને રજા પર ઉતારી દીધા હતા. આ પછી 1 ફેબ્રુઆરીના રોજ તેમણે યુનિવર્સિટીને એક ઈ-મેલ મોકલીને હાલની પરિસ્થિતિઓને કારણે તેમના પદ પર ચાલુ રહેવામાં અસમર્થતા વ્યક્ત કરીને રાજીનામું આપ્યું.
શું છે આખો મામલો?
વાયરલ વિડીયો ક્લિપમાં મહિલા પ્રોફેસર દુલ્હન જેવો પોશાક પહેરેલી જોવા મળે છે. આ દૃશ્ય MAKAUTના હરિંગહાટા કેમ્પસમાં એક વર્ગખંડની અંદર શૂટ કરવામાં આવ્યો હતો. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે યુનિવર્સિટી અને શિક્ષણવિદોમાં તેની ઘણી ચર્ચા થઈ. જોકે, પ્રોફેસર કહે છે કે તે રિયલ લગ્ન નહોતા પરંતુ એક સાઈકો ડ્રામા પ્રોજેક્ટ અંતર્ગત રજૂ કરેલું એક નાટક હતું. જે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીની સંમતિથી આયોજિત કરવામાં આવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે, તેમના એક સાથીએ તેમની છબી ખરાબ કરવા અને તેમની કારકિર્દી બગાડવા માટે જાણી જોઈને વીડિયો લીક કર્યો.
તપાસ સમિતિએ દાવો ફગાવ્યો
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, યુનિવર્સિટી વહીવટીતંત્રે પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી. જેમાં તમામ મહિલા ફેકલ્ટી સભ્યોનો સમાવેશ થતો હતો. સમિતિએ પ્રોફેસરના દાવાને ફગાવી દીધો કે, આ વિડિઓ એક મનો-નાટક પ્રોજેક્ટનો ભાગ હતો. MAKAUT રજિસ્ટ્રાર પાર્થ પ્રતિમ લાહિરીએ જણાવ્યું હતું કે, પ્રોફેસરના રાજીનામા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. પ્રોફેસરનું કહેવું છે કે તે પોતાની સામાજિક અને શૈક્ષણિક પ્રતિષ્ઠાને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે કાનૂની કાર્યવાહી કરશે.






