VIDEO: ગુરુગ્રામમાં મેઘરાજાનો સપાટો: સોહના રોડ બની ગયો નદી, વાહનવ્યવહાર ઠપ્પ!
ગુરુગ્રામ શહેરમાં તાજેતરમાં પડેલા મુસળધાર વરસાદને કારણે જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જા

ગુરુગ્રામ શહેરમાં તાજેતરમાં પડેલા મુસળધાર વરસાદને કારણે જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ ચૂકી છે. અતિભારે વરસાદ વરસ્યા બાદ શહેરના અનેક મહત્વના રસ્તાઓ, સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સિટીના મુખ્ય માર્ગો પર વ્યાપક પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જવાથી દૈનિક જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદ થંભી ગયા બાદ સામે આવેલા દ્રશ્યોમાં શહેરની વરવી વાસ્તવિકતા છતી થઈ ગઈ છે. ગુરુગ્રામના વ્યસ્ત અને મુખ્ય એવા સોહના રોડ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને માઠી અસર પહોંચી હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ સિવાય સિકંદરપુર ઘોસી વિસ્તાર તેમજ માનવ રચના સ્કૂલ નજીકના વિસ્તારોમાં પણ ગોઠણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક રહીશો અને શાળાના બાળકોને આવવા-જવામાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.
પાણી ભરાવાની આ ઘટના વચ્ચે એક ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેમાં ગુરુગ્રામના એક પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ અથવા પોલીસ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીમાં નાના બાળકો સ્વિમિંગ કરતા અને પાણીમાં રમતા નજરે પડ્યા હતા. પોલીસ લાઈન કે પોલીસ સ્ટેશન વિસ્તાર જેવા સંવેદનશીલ સ્થળોએ પણ પાણી ભરાઈ જતાં તંત્રના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ વરસાદી પાણીના કારણે ગુરુગ્રામના અનેક વિસ્તારોમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયેલા છે. સ્થાનિક રહીશોમાં નબળા નિકાલ તંત્રને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોમાસાના પ્રારંભિક વરસાદમાં જ ગુરુગ્રામની આવી સ્થિતિ થતાં સ્થાનિકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી






