મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માંજલપુર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું

વડોદરા શહેરની રાજકીય રીતે સૌથી ચર્ચાસ્પદ બનેલી માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી હવે નિર્ણ

તસવીર: gstv

વડોદરા શહેરની રાજકીય રીતે સૌથી ચર્ચાસ્પદ બનેલી માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસે પોતાની સંપૂર્ણ તાકાત મેદાનમાં ઉતારી દીધી હતી. બંને પક્ષોના ઉમેદવારોએ રોડ શો, જનસંપર્ક અને રેલીઓ દ્વારા મતદારોને આકર્ષવાના અંતિમ પ્રયાસો કર્યા હતા. એક તરફ ભાજપના ઉમેદવાર સતીશ પટેલ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી પણ પરિવર્તનના નારા સાથે મતદારો સુધી પહોંચ્યા છે. હવે પ્રચાર પૂર્ણ થતાં મતદારોના મનમાં કોણ સ્થાન બનાવશે તે ત્રીસમી તારીખે યોજાનારા મતદાનમાં સ્પષ્ટ થશે. કોંગ્રેસે સ્થાનિક પ્રશ્નો, પ્રજાની સમસ્યાઓ અને પરિવર્તનની જરૂરિયાત જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને મતદારોનો સંપર્ક સાધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, યોગેશ પટેલના નિધનથી ખાલી પડેલી આ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહી છે. માંજલપુર બેઠકનો રાજકીય ઇતિહાસ જોવામાં આવે તો વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 58.88 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. તે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર યોગેશ પટેલને 1 લાખ 20 હજાર 133 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ડૉ. તશ્વિન સિંઘને 19 હજાર 379 મત મળ્યા હતા. યોગેશ પટેલે એક લાખથી વધુ મતની જંગી લીડ સાથે સતત સાતમી વખત વિજય મેળવ્યો હતો. જોકે તાજેતરમાં તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડતાં હવે અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વર્ષ 2022ની ચૂંટણી દરમિયાન માંજલપુર વિધાનસભામાં કુલ 2 લાખ 63 હજાર 464 જેટલા મતદારો નોંધાયેલા હતા અને ભાજપને અંદાજે 77 ટકા જેટલા મત મળ્યા હતા. જોકે આ વખતની ચૂંટણીનું રાજકીય સમીકરણ થોડું અલગ માનવામાં આવી રહ્યું છે. ચોમાસાની મોસમ, ઉમેદવારોને પ્રચાર માટે મળેલો મર્યાદિત સમય, સ્થાનિક પ્રશ્નો તેમજ યુવા મતદારોમાં જોવા મળતી નિરાસા જેવા મુદ્દાઓ બંને પક્ષો માટે પડકારરૂપ બન્યા છે.

આ સમાચાર શેર કરો