મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબઈમાં હોર્ડિંગ પડવાની ઘટનામાં 14ના મોત, 74 ઘાયલ; કંપની પર પોલીસે દાખલ કરી FIR

સોમવારે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ધૂળના તોફાન બાદ એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં 14 લોકોના મોત થયા હ

સોમવારે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં ધૂળના તોફાન બાદ એક વિશાળ હોર્ડિંગ ધરાશાયી થતાં 14 લોકોના મોત થયા હતા, જ્યારે 74થી વધુ લોકો ઘાયલ થયા હતા. 15 હજાર સ્ક્વેર ફૂટથી વધુના આ હોર્ડિંગનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે, જોકે હવે અધિકારીઓનું કહેવું છે કે આ BMCની પરવાનગી વિના કરવામાં આવ્યું હતું.

સોમવારે સાંજે મુંબઈમાં વાતાવરણમાં અચાનનક પલ્ટો આવ્યો

સોમવારે સાંજે મુંબઈમાં વાતાવરણમાં અચાનનક પલ્ટો આવ્યો હતો. આકાશમાં ગાઢ વાદળો છવાઈ ગયા પછી, ધૂળની ડમરીઓ અને વરસાદ શરૂ થયો. આ વાવાઝોડાને કારણે ઘાટકોપરની સમતા કોલોનીના રેલવે પેટ્રોલ પંપ પર એક વિશાળ હોર્ડિંગ પડી ગયું, જેની નીચે મોટી સંખ્યામાં લોકો દટાઈ ગયા.. તાત્કાલિક પોલીસ અને મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.


જ્યારે આ અકસ્માત થયો ત્યારે પેટ્રોલ પંપ પાસે 100 થી વધુ લોકો હાજર હતા. હોર્ડિંગ પડી ગયા બાદ હોબાળો મચ્યો હતો. સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જે આખી રાત ચાલુ રહ્યું હતું. સવારે 3 વાગ્યા સુધીમાં, હોર્ડિંગની નીચે ફસાયેલા કુલ 86 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન 14 લોકોના મોત થયા છે. 74 ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાં ઘણા લોકોની હાલત નાજુક છે. આ સિવાય 31 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

પરવાનગી વિના હોર્ડિંગ મૂકવામાં આવ્યું: BMC


આ ઘટના બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ એક નિવેદન જારી કરીને કહ્યું કે બિલબોર્ડ તેમની પરવાનગી વગર બનાવવામાં આવ્યું છે. BMC અનુસાર, તે જગ્યાએ ચાર હોર્ડિંગ્સ હતા અને તે તમામ ACP (વહીવટ) દ્વારા પોલીસ કમિશનર (રેલ્વે મુંબઈ) માટે મંજૂર કરવામાં આવ્યા હતા. હોર્ડિંગ્સ લગાવતા પહેલા એજન્સી/રેલ્વે દ્વારા BMC પાસેથી કોઈ પરવાનગી/NOC લેવામાં આવી ન હતી. BMCએ હોર્ડિંગ્સ લગાવનાર એજન્સીને નોટિસ પાઠવી હતી. નિવેદનમાં, BMCએ કહ્યું કે તે 40x40 ચોરસ ફૂટના મહત્તમ કદના હોર્ડિંગ્સને મંજૂરી આપે છે. જો કે, જે ગેરકાયદે હોર્ડિંગ પડી ગયું તેનું કદ 120x120 ચોરસ ફૂટ હતું.

પોલીસે કંપની વિરુદ્ધ FIR નોંધી


પોલીસે બિલબોર્ડ મેન્યુફેક્ચરિંગ એજન્સી મેસર્સ ઇગો મીડિયા અને તેના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પંત નગર પોલીસ સ્ટેશનમાં હોર્ડિંગ માલિક ભાવેશ ભીંડે અને અન્યો વિરુદ્ધ IPCની કલમ 304, 338, 337 હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો 


ઘાટકોપરમાં આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હું શોકગ્રસ્ત પરિવારના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલ લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું અને રાહત અને બચાવ કામગીરીની સફળતાની કામના કરું છું.

આ સમાચાર શેર કરો