Gujarat: કોંગ્રેસની જન આક્રોશ યાત્રા 21 નવેમ્બરથી શરુ; રોજગારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોના મુદ્દે લોકો સાથે સંવાદ કરશે
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં ભાજપ શાસન વિરુદ્ધ જન આક્રોશ યાત્રાનું આયોજન
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યમાં ભાજપ શાસન વિરુદ્ધ જન આક્રોશ યાત્રાનું આયોજન કરવાની જાહેરાત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે છેલ્લા ત્રણ દાયકામાં ભાજપની સરકારે ગુજરાતના લોકોને 'અંગ્રેજોનું શાસન હોય તેમ ગુલામ બનાવવાવાળું શાસન' આપ્યું છે. અમિત ચાવડાએ જણાવ્યું કે આ યાત્રાથી લોકોના અવાજને બુલંદી મળશે.
આ યાત્રા 21 નવેમ્બરથી ઉત્તર ગુજરાતમાં વાવમાં ભીમા ખાતેથી શરૂ થશે. ત્યારે 30 ડિસેમ્બરે પહેલા ફેઝની યાત્રાનું સમાપન થશે. પહેલા ફેઝમાં 40 તાલુકા , 12 શહેરી વિસ્તારો , 7 જિલ્લાને આ યાત્રામાં આવરી લેવામાં આવશે. પહેલા ફેઝમાં 1100 કિલોમીટરની યાત્રા યોજાશે.
અમિત ચાવડાએ છેલ્લા 15 દિવસમાં ૫ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરીને ખાતરની તંગી અને સિંચાઈના મુદ્દે ખેડૂતોને થતી હેરાનગતિને વાચા આપવાની વાત કરી છે. સાથે જ ભરતી પ્રક્રિયાના મુદ્દાઓને પણ આ યાત્રામાં આવરી લેવાશે. કોંગ્રેસ યુવાનોના સંઘર્ષને સમર્થન આપશે. ગૃહિણીઓને ઘર ચલાવવામાં થતી મુશ્કેલી, કથળેલી કાયદો વ્યવસ્થા, અને વધેલા દારૂ-જુગારના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીને મહિલાઓને અધિકાર અને સન્માન આપવાનો મુદ્દો ઉઠાવાશે. સરકારી કચેરીઓમાં ફેલાયેલા ભ્રષ્ટાચારના દૂષણને નાબૂદ કરવા માટે યાત્રામાં વાચા અપાશે. અમિત ચાવડાએ દાવો કર્યો કે આ યાત્રા દ્વારા 'સડકથી લઈને સંસદ સુધી' લડાઈની શરૂઆત થશે, જે જનતાનો મંચ બનશે.







