VIDEO: 100 ફૂટ ઊંડા બોરવેલમાં અચાનક પડ્યું બાળક, ગ્રામજનોએ કર્યું રેસ્ક્યૂ
કચ્છના રાપર તાલુકાના ઉમૈયા ગામમાં વાડી વિસ્તારમાં રમતા 9 વર્ષીય બાળક અચાનક 100 ફૂટ
કચ્છના રાપર તાલુકાના ઉમૈયા ગામમાં વાડી વિસ્તારમાં રમતા 9 વર્ષીય બાળક અચાનક 100 ફૂટ ઊંડા બંધ બોરવેલમાં પડી ગયો હતો. માહિતી અનુસાર બાળક તેના મિત્રો સાથે વાડી વિસ્તારમાં રમી રહ્યો હતો.રમતા રમતા તેઓ બોરવેલ પાસે પહોંચ્યા, જે પથ્થરથી ઢાંકેલો હતો. પથ્થર ખસેડીને અંદર જોવાની ઉત્સુકતામાં અચાનક 9 વર્ષનો રાકેશ બોરવેલમાં ગબડી પડ્યો. તેના સાથી મિત્રો ગભરાઈને તરત જ ઘરે દોડી ગયા અને વડીલોને જાણ કરી. આ સમાચાર મળતા જ ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવાર અને સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં ગ્રામીણોએ ગભરાયા વગર સંયમ અને સમજદારી દાખવી. તેઓએ તાત્કાલિક બોરવેલ પાસે પહોંચી બાળક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. રાકેશના રડવાનો અવાજ સાંભળીને તેના જીવિત હોવાની ખાતરી થઈ, જેથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનોએ ધીમેથી એક મજબૂત રસ્સો બોરવેલમાં નાખ્યો અને બાળકને શાંતિથી સમજાવ્યો કે તે રસ્સાને પકડી લે. બાળકે રસ્સો પકડી લીધા બાદ ગ્રામજનોએ ધીમે ધીમે તેને સલામત રીતે બહાર કાઢ્યો. આ ચમત્કારિક બચાવમાં બાળકને ફ્રેક્ચર જેવી સામાન્ય ઈજાઓ સિવાય કોઈ ગંભીર નુકસાન થયું નથી



