VIDEO: ગુજરાતના આ વિસ્તારોમાં વાતાવરણ પલટાયું, વરસાદી માહોલથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી
હવામાન વિભાગે આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 31 માર્ચથી 3 એપ્રિલ
હવામાન વિભાગે આગાહી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 31 માર્ચથી 3 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે જે પ્રમાણે આજે વલસાડ, નવસારી, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઘનઘોર વાદળો છવાયા છે. જેના કારણે કમોસમી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ થવાનું અનુમાન છે.
વલસાડ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેરના હલર રોડ અને તિથલ રોડ જેવા વિસ્તારોમાં અમી છાંટણા શરૂ થયા છે, જ્યારે તડકો ગાયબ થઈ ગયો છે અને આકાશમાં વાદળો છવાઈ ગયા છે. ઉનાળાની ગરમી વચ્ચે આવેલા આ બદલાવથી લોકોને થોડી રાહત મળી હોવાનું અનુભવાય છે, પરંતુ આ બદલાયેલું વાતાવરણ કેરીના ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યું છે. અણધાર્યા વરસાદ કે માવઠાની શક્યતાથી કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
નવસારીમાં ખેડૂતો ચિંતિત
નવસારી જિલ્લામાં આજે રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે વાતાવરણ કાળા વાદળોથી ઘેરાઈ ગયું છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ બદલાતા હવામાનને કારણે કેરી અને ચીકુના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને આંબાની મંજરી કાળી પડી જવાની અને નાની કેરીઓ ખરી પડવાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
પંચમહાલમાં હવામાને અચાનક કરવટ લીધી
હવામાન વિભાગની આગાહી અનુસાર, માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ગોધરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને આ વાતાવરણના પલટાથી થોડી રાહત મળી છે. જોકે, માવઠાની શક્યતાને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉનાળાના સમયમાં અણધાર્યા વરસાદથી ખેતીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.






