ભાજપના રિતુ તાવડે બનશે BMCના મેયર, શિંદેની શિવસેનાને ડેપ્યુટી મેયર પદ
મુંબઈની બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) માં મેયર પદને લઈને સસ્પેન્સનો અંત આવ્
મુંબઈની બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) માં મેયર પદને લઈને સસ્પેન્સનો અંત આવ્યો છે. ભાજપના રિતુ તાવડે મેયર પદ માટે આજે નોમિનેશન ફાઈલ કરશે. જ્યારે ડેપ્યુટી મેયરનું પદ એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાને મળશે.
ગુજરાતીઓના ગઢમાં હેટ્રિક લગાવી ચૂક્યા છે રિતુ તાવડે
રિતુ તાવડે ઘાટકોપરની વોર્ડ નંબર 132થી સતત ત્રીજી વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે. તેમની સૌથી મોટી રાજકીય તાકાત તેમની સ્વીકાર્યતા મનાય છે. મરાઠી સમુદાયથી હોવા છતાં ગુજરાતીઓની બહુમતી ધરાવતા વોર્ડમાં જીતની હેટ્રિક લગાવીને તેમણે સાબિત કર્યું હતું કે તેમની છબિ જાતિગત સમીકરણોથી ઉપર છે.
કોંગ્રેસથી ભાજપમાં જોડાયા હતા
પાર્ટીમાં તેમને એક એવા નેતા તરીકે જોવામાં આવે છે જે જમીન સાથે જોડાયેલા મુદ્દાઓ પર પ્રજા સાથે સીધી રીતે વાતચીત કરે છે અને નાગરિકોની સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવાના પ્રયાસો કરે છે. રિતુ તાવડેની રાજકીય કારકિર્દી પ્રભાવશાળી રહી છે. તેમણે 2012માં કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. તે બીએમસીની મહત્ત્વપૂર્ણ શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલમાં તે મહારાષ્ટ્રના પ્રદેશ મહિલા મોરચના ઉપાધ્યક્ષ તરીકે સક્રિય છે.
શિંદે સેનાને મળશે ડેપ્યુટી પદ
જ્યારે ગઠબંધનની શરતો હેઠળ ડેપ્યુટી મેયર પદ શિંદે સેનાને મળશે. તેમના પક્ષ તરફથી સંજય શંકર ઘાડીને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. મહાયુતિના નેતાઓનું માનવું છે કે તાવડે અને ઘાડીની જોડી મુંબઈના વિકાસ કાર્યોને નવી ગતિ આપશે.






