Visavadar પેટા ચૂંટણીમાં ભાજપના ખોટા વચનનો ભોગ 3 જિલ્લાના 50 હજાર ખેડૂતો બન્યા

Junagadh News: વિસાવદરની પેટા ચૂંટણીમાં આપેલા ખોટા વચન અને વાયદાનો ભોગ ત્રણ જિલ્લાના 50,000થી વધુ ખેડૂતો ભારે મૂશ્ક

Junagadh News: વિસાવદરની પેટા ચૂંટણીમાં આપેલા ખોટા વચન અને વાયદાનો ભોગ ત્રણ જિલ્લાના 50,000થી વધુ ખેડૂતો ભારે મૂશ્કેલીમાં મુકાયા છે. જેડીસીસી બેંકમાંથી ત્રણને બદલે પાંચ લાખનું વગર વ્યાજે ધિરાણ આપી હવે બે લાખ રૂપિયા ખેડૂતોને પરત ભરવાનો આદેશ કરતા ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો છે.

ખેડૂતોને દર વર્ષે પાક ધિરાણ માટે ત્રણ લાખ સુધીનું ધિરાણ વગર વ્યાજે આપવામાં આવે છે. તેનું વ્યાજ કેન્દ્ર અને રાજ્ય સરકાર ભોગવે છે. આ વખતે કેન્દ્રના બજેટમાં ત્રણમાંથી પાંચ લાખ વ્યાજ વગર આપવાની જાહેરાત થઈ હતી, પરંતુ તે અંગેનો કોઈ સત્તાવાર પરિપત્ર ન થયો જેથી એક પણ રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા પાંચ લાખનું વગર વ્યાજે ધિરાણ આપવામાં આવ્યું નથી. પરંતુ વિસાવદરની પેટા ચૂંટણી લડતા સમયે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ કે જેઓ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે તેમણે માત્ર કેન્દ્ર સરકારની જાહેરાતના આધારે ખેડૂતોને 5 લાખ વગર વ્યાજે પાક ધિરાણ આપવાનો નિર્ણય કરી, 50,000 જેટલા ખેડૂતોને પાંચ લાખ રૂપિયા પાક ધિરાણના આપી દીધા હતા.

જાહેરાત

હવે ધ્યાને આવ્યું કે કેન્દ્ર સરકારે કોઈ આવો પરિપત્ર કર્યો નથી

જેથી પાંચ લાખ રૂપિયા જે ખેડૂતોને વગર વ્યાજે આપ્યા હતા તેની પાસેથી બે લાખની રકમ પરત ભરવા ખેડૂતોને આદેશ કર્યો છે. જો ખેડૂત 2 લાખ પરત ન ભરે તો તેને 12% લેખે વ્યાજ ચૂકવવાનો વારો આવશે. જુનાગઢ જિલ્લા સહકારી બેંકનું કાર્યક્ષેત્ર જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં છે. તેમાં કુલ 1 લાખથી વધુ બેંકના સભાસદ ખેડૂતો છે તેમાંથી 50,000 જેટલા ખેડૂતોએ ત્રણને બદલે પાંચ લાખ ધિરાણ લઈ લીધું હતું. હવે ખેડૂતો પાસે બે લાખ પરત માગતા મોટો વિવાદ થયો છે.

ખેડૂતો કહે છે કે અમે પાંચ લાખ રૂપિયાનું પાક ધિરાણ લીધું હતું તે રકમ ખેતીના કામમાં વાપરી નાખી હતી હવે અમારી પાસે હાલ તે રકમ છે નહીં અમે કેવી રીતે ભરીએ? આ સમગ્ર મામલે વિવાદ છેડાયો છે. આ મુદ્દે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ પણ આક્ષેપ કર્યો છે કે એકવાર જે પદ્ધતિથી રકમ આપી દેવામાં આવી છે હવે તેમાં અધવચ્ચે કોઈ ફેરફાર થઈ શકે નહીં. આ અંગે મુખ્યમંત્રી, કૃષિ મંત્રી સહિતનાઓને રજૂઆત કરી જવાબદારો પર કાર્યવાહી થાય તેવી માંગ કરીશ.

આ સમાચાર શેર કરો

જાહેરાત