VIDEO: ANDAR NI VAAT/ જમ્મુ કશ્મીરમાં ફ્લેશ ફલડથી ભારે તબાહી, 250 કાર તણાઈ
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મોડી રાત્રે અતિભારે વરસાદ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મોડી રાત્રે અતિભારે વરસાદે તબાહી મચાવી છે. દરહાલી નદીનું જળસ્તર ભયજનક બનતા બેલા કોલોનીમાં પાણી ઘૂસ્યા. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં મોડી રાત્રે થયેલા અતિભારે વરસાદે ભારે તબાહી મચાવી છે. મૂશળધાર વરસાદને કારણે સ્થાનિક દરહાલી નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું હતું. જેના પાણી નજીકની બેલા કોલોનીમાં ઘૂસી ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો અને ત્યાં ફસાયેલા અસંખ્ય પરિવારો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા હતા. આ ઉપરાંત, બેલા બસ સ્ટેન્ડ અને પાર્કમાં ઉભેલા ડઝનબંધ વાહનો પૂરના ધસમસતા પ્રવાહમાં રમકડાની જેમ તણાઈ ગયા હતા. જમ્મુ-કાશ્મીરના પૂંછ અને કિશ્તવાડમાં શનિવારે રાત્રે વાદળ ફાટવાની ઘટના બાદ પૂર ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે.
રાજૌરીના માંજાકોટ તહસીલ હેઠળ આવતા કોટલી કલાબન અને ગોલીનારી વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના બની છે. વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરમાં સ્થાનિક કબ્રસ્તાન સંપૂર્ણપણે ધોવાઈને નજીકના વોંકળામાં વહી ગયું હતું, જેના લીધે અનેક કબરો નષ્ટ થઈ ગઈ છે. આ અભૂતપૂર્વ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે ગમગીની અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સિવાય થન્ના મંડી સબ-ડિવિઝનના ચુરુંગ, રાજધાની અને બેહરોટ વિસ્તારો પણ ખરાબ રીતે પ્રભાવિત થયા છે, જ્યાં એક ક્રશર યુનિટમાં કામ કરતા મજૂરો ફસાયા હોવાની માહિતી છે.
બીજી તરફ, કટડા અને આસપાસના વિસ્તારોમાં પણ રાતભર મૂશળધાર વરસાદ ચાલુ રહેતાં સુરક્ષાના ભાગરૂપે પ્રખ્યાત માતા વૈષ્ણોદેવીની યાત્રા સતત સ્થગિત રાખવામાં આવી છે. વરસાદના કારણે વૈષ્ણોદેવીના મહત્વના બેટરી કાર માર્ગ પર જગ્યાએ-જગ્યાએ મોટા ખડકો, પથ્થરો અને કાદવ-મલબો પડ્યો છે, જ્યારે ભૈરવ ઘાટી માર્ગ પર પણ હળવું ભૂસ્ખલન થયું છે. જેને પગલે કટડામાં 15 હજાર ભક્તો ફસાયા છે.
ભારે વરસાદના કારણે જખિયાની અને ચેનાની વચ્ચે નેશનલ હાઈવેની અપ ટ્યુબ પર અનેક જગ્યાએ માટી ધસી પડવાની અને પથ્થરો પડવાની ઘટનાઓ બની છે, જેને સાફ કરવાનું કામ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી હતી. હાલ પ્રશાસન દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ ટીમો મોકલી દેવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદી-નાળાથી દૂર રહેવા અને સતર્ક રહેવા અપીલ કરાઈ છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી






