મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: ઉપલેટામાં મોજ નદી ઉપર બનાવેલો કોઝવે પાણીમાં ધોવાઈ ગયો, ગ્રામજનોને ભારે હાલાકી

સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટના ઉપલેટા તથા ચિત્રાવડ ગામથી જામકંડોરણા ત

સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજકોટના ઉપલેટા તથા ચિત્રાવડ ગામથી જામકંડોરણા તથા રાજકોટ જવાનો મુખ્ય માર્ગ અને મોજ નદી ઉપર બનાવેલો કોઝવે ધોવાઇ ગયો છે. બીજી તરફ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવતા ગ્રામજનોએ ઘટના સ્થળે એકઠા થઈને રામધૂન બોલાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

કોઝવેના ધોવાણના કારણે ચિત્રાવડના લોકોએ 20 કિલોમીટર ફરીને આવવું પડે છે

આ કોઝવે ઘણા વર્ષોથી જર્જરીત અને બિસ્માર હાલતમાં છે. દર વર્ષે વરસાદમાં તેનું ધોવાણ થાય છે. જેના કારણે દર વર્ષે લાખો રૂપિયાનું આંધણ થઈ જાય છે. આ કોઝવેના ધોવાણના કારણે વાહન વ્યવહાર બંધ થઈ જતો હોવાથી ચિત્રાવડના લોકોએ 20 કિલોમીટર ફરીને આવવું પડે છે. કોઝવેને વ્યવસ્થિત અને ઊંચો બનાવવા માટે તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી. પરંતુ તંત્ર કોઈ ધ્યાન આપી રહ્યું નથી. 

ગ્રામજનોની એક જ માગ - સરકાર અહીં મોટા પુલનું નિર્માણ કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવે

ગ્રામજનો અને વિદ્યાર્થીઓને ચાલીને જવું હોય તો જીવના જોખમે અવર જવર કરવી પડે છે. જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ પાટી, બરડીયા, ગુંનાદા સરી, જામદાદર, મોજ ખીજડીયા, જામ થોરાડા, ચરેલ, સાતોદળ, રાજપરા, કાનાવદાળા, ખજુરડા, બાલાપર જેવા ગામડાઓ તથા ઉપલેટા તાલુકાના ખીરસરા, અરણી, વડાળી, પડવલા, ભાયાવદર, ખાખીજાળીયા, ખારચીયા, મોટીપાનેલી, ગીંગણી, સિદસર, જામજોધપુર ગામેથી સીધુ રાજકોટ જવા માટે આ સીધો માર્ગ છે. વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે 20 કિલોમીટરનો ફેરો કરવો પડે છે. જેથી તેમનો સમય અને અભ્યાસ બંને બગડે છે. ગ્રામજનોની માગ છે કે સરકાર અહીં મોટા પુલનું નિર્માણ કરે. જેથી સમસ્યાનો કાયમી ઉકેલ આવી જાય.

આ સમાચાર શેર કરો