VIDEO: ગુજરાતના આ ગામમાં 17 વર્ષે આવી 108 એમ્બ્યુલન્સ! પ્રસુતા સાથે અડધે રસ્તે ફસાતા કરાવવી પડી ડિલિવરી
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં 12 જેટલા ફળીયા છે. જયારે આ ફળિયામાં આઝાદીના આટલા વર્ષો પછી

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામમાં 12 જેટલા ફળીયા છે. જયારે આ ફળિયામાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા નથી. જેથી તુરખેડા ગામમાં મોટા વાહનો આવી શકતા નથી. જેના કારણે થોડા દિવસો અગાઉ એક પ્રસુતાનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરતાં રસ્તા માટે ગ્રાન્ટ મંજૂર થઈ છે. બીજી તરફ તુરખેડા ખાતે ૧૭ વર્ષે પહેલી વખત ૧૦૮ પહોંચી હતી. ગામના સીમાડે મંદિર સુધી ૧૦૮ પહોંચી હતી.
3 કિમી ઝોળીમાં પ્રસુતાને લઈ જવાઈ
મહિલાને કવાંટ સરકારી દવાખાને લઈ જતા રસ્તામાં જ ૧૦૮ માં પ્રસૂતિ થઈ હતી. એમ્બ્યુલન્સમાં ૧૦૮ કર્મચારીઓએ સફળતા પૂર્વક પ્રસૂતિ કરાવી હતી. ૧૦૮ પહેલા સર્વે માટે પહોચેલી આરોગ્ય વિભાગની એમ્બ્યુલન્સ ફસાઈ હતી.પહેલા ૩ કિમી ઝોળીમાં પ્રસુતાને લઈ ગયા બાદ એમ્બ્યુલન્સમાં સગર્ભાને બેસાડી અને થોડા જ ક્ષણોમાં ૧૦૮ આવી જતા તેમાં દર્દીને ટ્રાન્સફર કરી હતી.
હાઈકોર્ટે સુઓમોટો લીધો
૧૦૮ દર્દીને લઈને પથરાળ અને ડુંગરાળ રસ્તા પરથી નીકળી ગઈ હતી. પરંતુ, એમ્બ્યુલન્સ ફસાઈ હતી. જેથી ગ્રામજનોએ ધક્કો મારી એમ્બ્યુલન્સને પણ બહાર કાઢી હતી. સાત દિવસ અગાઉ તુરખેડા ગામની જ પ્રસુતાનું ઝોળીમાં લઈ જતા મોત થયું હતું. જેથી ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લઈ નોટિસ ફટકાર્યા બાદ સરકારે ૧૮.૫૦ કરોડના ખર્ચે ૯ કિમીના રોડની મંજૂરી આપી હતી. જો કે ગ્રામજનો ક્યારે રસ્તો બને તેની રાહ જોઈને બેઠા છે.






