VIDEO: દર 7 માંથી 1 કિશોર માનસિક સમસ્યાથી પીડાય છે, સુગરી ડ્રિંક્સથી વધે છે એંગ્ઝાયટીનું જોખમ- WHOનું રિસર્ચ
તાજેતરમાં થયેલા એક નવા સંશોધન પરથી જાણ

તાજેતરમાં થયેલા એક નવા સંશોધન પરથી જાણવા મળ્યું છે કે જે ટીનએજર્સ વધુ પ્રમાણમાં શુગર-સ્વીટન્ડ બેવરેજીસ (ખાંડયુક્ત પીણાં) લે છે, તેમનામાં એંગ્ઝાયટી (ચિંતા) થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
ટીનએજ એ શારીરિક અને માનસિક ફેરફારોનો એક નાજુક તબક્કો હોય છે. માતા-પિતા અવારનવાર પોતાના બાળકોને મેદસ્વીતા કે ડાયાબિટીસ જેવી બીમારીઓથી બચાવવા માટે તેમના ખાનપાન પર નજર રાખતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેમના હાથમાં રહેલી કોલ્ડ ડ્રિંક, મીઠી કોફી કે એનર્જી ડ્રિંકનું કેન તેમના મન અને મગજ પર શું અસર કરી રહી છે?
આજકાલ યુવાનોમાં તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે, જેને ઘણીવાર માત્ર 'ઉંમરની અસર' માનીને નજરઅંદાજ કરવામાં આવે છે. આ દરમિયાન, એક નવું સંશોધન સામે આવ્યું છે જે જણાવે છે કે સુગરી ડ્રિંક્સનું વધુ પડતું સેવન ટીનએજર્સમાં એંગ્ઝાયટીનું જોખમ 34% સુધી વધારી દે છે.
WHOના આંકડા શું કહે છે?
વિશ્વભરમાં યુવાનોમાં માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના આંકડા મુજબ:
* વિશ્વભરમાં 10 થી 19 વર્ષના દર 7 માંથી 1 (14.3%) કિશોરને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત કોઈને કોઈ સમસ્યા છે.
* દુર્ભાગ્યે, ઘણીવાર આ સમસ્યાઓ ઓળખાતી નથી અને તેની સારવાર પણ થઈ શકતી નથી.
* ડિપ્રેશન, એંગ્ઝાયટી અને વર્તણૂક સંબંધિત સમસ્યાઓ કિશોરોમાં બીમારી અને અપંગતાનું મુખ્ય કારણ છે.
* સૌથી ચિંતાજનક બાબત એ છે કે 15 થી 29 વર્ષના યુવાનોમાં મૃત્યુનું ત્રીજું સૌથી મોટું કારણ આત્મહત્યા (Suicide) છે.
નવું રિસર્ચ શું કહે છે?
બોર્નમાઉથ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલી આ નવી સ્ટડી 'જર્નલ ઓફ હ્યુમન ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સ' માં પ્રકાશિત થઈ છે. આ અભ્યાસમાં સંશોધકોએ જૂના ઘણા અભ્યાસોના ડેટા અને સર્વેનું વિશ્લેષણ કર્યું, જેમાં કિશોરોના ખાનપાન અને તેમના માનસિક સ્વાસ્થ્યના લક્ષણો માપવામાં આવ્યા હતા. આ સ્ટડીનું સૌથી મોટું અને ચોંકાવનારું તારણ એ હતું કે સુગરી ડ્રિંક્સનું સેવન કરનારા ટીનએજર્સમાં એંગ્ઝાયટીનું જોખમ 34% વધી ગયું.
સ્ટડીમાં સામેલ કરવામાં આવેલા સુગરી ડ્રિંક્સ
આ અભ્યાસમાં સંશોધકોએ એવા પીણાંનો સમાવેશ કર્યો હતો જેમાં પોષણ ઓછું અને કેલરી વધુ હોય છે, જેમ કે:
* ફિઝી સોડા (કોલ્ડ ડ્રિંક્સ)
* એનર્જી ડ્રિંક્સ
* મીઠા ફળોના જ્યુસ અને શેક્સ
* મીઠી ચા અને કોફી
* ફ્લેવર્ડ મિલ્ક
ફિઝિકલ જ નહીં, મેન્ટલ હેલ્થ પર પણ જોખમ
આ સ્ટડીની સહ-લેખિકા અને ન્યુટ્રિશનની લેક્ચરર ડૉ. ક્લો કેસીનું કહેવું છે કે આજ સુધી મોટાભાગના હેલ્થ કેમ્પેઈનમાં ખરાબ ખાનપાનને માત્ર શારીરિક બીમારીઓ (જેમ કે મેદસ્વીતા અને ટાઈપ-2 ડાયાબિટીસ) સાથે જોડીને જોવામાં આવ્યું છે. એવા પીણાં, જે એનર્જીથી ભરપૂર હોય છે પરંતુ જેમાં પોષક તત્વોની ઉણપ હોય છે, તેમની મેન્ટલ હેલ્થ પર પડતી અસરને હંમેશા નજરઅંદાજ કરવામાં આવી છે.
સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે સુગરી ડ્રિંક્સ પીવા અને એંગ્ઝાયટીના લક્ષણો વચ્ચે સતત સંબંધ જોવા મળ્યો છે. જોકે, આ જૂના અભ્યાસો પર આધારિત રિવ્યુ હોવાથી, તે સંપૂર્ણપણે સાબિત નથી કરતું કે સુગરી ડ્રિંક્સ જ સીધી રીતે એંગ્ઝાયટી પેદા કરે છે.
તેમ છતાં, ડૉ. કેસીના જણાવ્યા અનુસાર, આ અભ્યાસ હાઈ સુગર ડ્રિંક્સ અને યુવાનોમાં એંગ્ઝાયટી ડિસઓર્ડર વચ્ચેના એક 'અનહેલ્ધી કનેક્શન' ને ચોક્કસપણે ઓળખે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટીનએજર્સમાં એંગ્ઝાયટીના કેસ ઝડપથી વધ્યા હોવાથી, ખાનપાનની આવી આદતોને ઓળખવી અને બદલવી ખૂબ જ જરૂરી છે, જેથી આ વધતા જોખમને રોકી શકાય.
નોંધ: GSTV આ સમાચારની પુષ્ટિ કરતું નથી. યોગ્ય માહિતી માટે નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.






