નાટોનું સભ્યપદ મળે તો ડોનબાસ છોડવા તૈયાર: ઝેલેન્સ્કીનો મોટો સંકેત

નાટોનું સભ્યપદ મળે તો ડોનબાસ છોડવા તૈયાર: ઝેલેન્સ્કીનો મોટો સંકેત
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં એક નવો પ્રસ્તાવ સામે આવ્યો છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સંકેત આપ્યો છે કે જો યુક્રેનને નાટો (NATO)નું સભ્યપદ અને મજબૂત સુરક્ષાની ગેરંટી મળે તો તેઓ પૂર્વ ડોનબાસ વિસ્તારમાંથી યુક્રેનિયન સૈન્ય પાછું ખેંચવા અને આ વિસ્તાર રશિયાને સોંપવા અંગે લોકમત કરાવવા તૈયાર છે. અબુધાબીમાં યોજાયેલી મંત્રણાના અંતિમ તબક્કા બાદ શનિવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઝેલેન્સ્કીએ આ અંગે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે ડોનબાસ વિસ્તાર રશિયાને સોંપવા અંગેનો પ્રસ્તાવ પહેલી વખત તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

સુરક્ષાની ગેરંટી મળે તો લોકમત માટે તૈયાર

ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કર્યું હતું કે યુક્રેન પોતાની જમીન છોડવા માટે સહેલાઈથી તૈયાર નથી. જોકે, જો દેશને મજબૂત અને સર્વગ્રાહી સુરક્ષાની ખાતરી આપવામાં આવે તો આ મુદ્દે લોકમત (Referendum) યોજવા અંગે વિચારણા થઈ શકે છે. તેમણે આ સાથે કેટલીક શરતો પણ મૂકી છે. યુક્રેનના સૈન્યને પૂરતું ભંડોળ મળવું જોઈએ અને યુદ્ધ બાદ દેશના પુનર્નિર્માણ (Reconstruction) માટે પણ જરૂરી આર્થિક સહાયની ખાતરી મળવી જોઈએ.

જાહેરાત

ડોનબાસ અંગે પહેલી વખત સીધો પ્રસ્તાવ

ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, અમેરિકી પક્ષ તરફથી સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે જો યુક્રેનને નાટોનું સભ્યપદ મળે તો શું તે ડોનબાસ વિસ્તારમાંથી પોતાના સૈન્યને પાછું ખેંચશે? આ સાથે ડોનબાસ રશિયાને સોંપવા અંગેનો પ્રસ્તાવ પણ પહેલી વખત તેમની સમક્ષ આવ્યો હતો. જોકે, ઝેલેન્સ્કીએ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે સમજૂતી કરવી મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું. તેમણે અગાઉના અહેવાલોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે યુક્રેન પોતાનો પ્રદેશ છોડવા તૈયાર નથી, તે વાત સાચી છે.

નાટો સભ્યપદ જ યુદ્ધનું મૂળ કારણ?

બીજી તરફ, રાજકીય નિષ્ણાતો આ સમગ્ર ઘટનાક્રમને યુક્રેન યુદ્ધની શરૂઆત સાથે જોડીને જોઈ રહ્યા છે. તેમના મતે, યુક્રેનના નાટો (NATO)માં જોડાવાના પ્રયાસો રશિયા માટે લાંબા સમયથી સુરક્ષાનો મોટો મુદ્દો રહ્યા છે. આથી યુક્રેનને નાટોનું સભ્યપદ આપવાની શરત અને તેના બદલામાં ડોનબાસ છોડવાની સંભાવના વચ્ચે સમજૂતી સાધવી સરળ નહીં હોય. હવે જોવાનું રહેશે કે અમેરિકાના પ્રયાસો અને અબુધાબીમાં થયેલી મંત્રણા રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાની દિશામાં કોઈ નક્કર માર્ગ ખોલી શકે છે કે નહીં.

આ સમાચાર શેર કરો

જાહેરાત