ફરી પાછું શું થયું! ટ્રમ્પે હમાસને આપી ફાઈનલ ચેતવણી: ટ્રુથ સોશિયલ પર કરી પોસ્ટ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા શાંતિ યોજનાને લઈને હમાસને ફાઈનલ અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, ‘યોજના મામલે હમાસે નિર્ણય લેવામાં વિલંબ ન કરવો જોઈએ, તેણે તાત્કાલીક નિર્ણય લેવો પડશે, નહીં તો પ્રસ્તાવની તમામ શરતો સમાપ્ત માનવામાં આવશે.’
"હમાસ લડવાનું બંધ કરે, હથિયાર હેઠા મૂકે, નહીં તો..."
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, તેઓ કોઈપણ પ્રકારનો વિલંબ બરદાસ્ત નહીં કરે. તેમણે હમાસને ચેતવણી આપી કે, કાં તો તેઓ લડવાનું બંધ કરે અને હથિયાર હેઠા મૂકી દે, નહીં તો શાંતિની બધી આશાઓ પર પાણી ફરી વળશે.
ટ્રમ્પે લખ્યું છે કે, "હમાસે જલ્દી નિર્ણય લેવા પડશે, નહીં તો બધી આશાઓ ધૂળધાણી થઈ જશે. હું કોઈ પણ પ્રકારનો વિલંબ સહન નહીં કરું અને હું ગાઝા ફરીથી જોખમમાં મુકાઈ જાય તેવું કોઈપણ પરિણામ સ્વીકારીશ નહીં" ટ્રમ્પે ખાતરી આપી કે આ નાજુક કરારમાં ઈઝરાયલ અને હમાસ બંનેને સામેલ કરાશે. ટ્રમ્પે એવું પણ લખ્યું છે કે, "ઈઝરાયલે બંધકોની મુક્તિ અને શાંતિ સમજૂતી પૂર્ણ કરવાની તક આપીને હુમલો અસ્થાયી રૂપે અટકાવી દીધો છે, જેનું હું પ્રશંસા કરું છું."
ઈઝરાયલે હુમલા ઘટાડ્યા
અલ-શિફા હોસ્પિટલના નિર્દેશક મોહમ્મદ અબુ સેલ્મિયાએ કહ્યું કે, ઈઝરાયલી હુમલા ઘટી ગયા છે. બીજીતરફ પેલેસ્ટાઈનના મીડિયા રિપોર્ટ મુજબ, ટ્રમ્પની ચેતવણી છતાં ગાઝા શહેરમાં ઈઝરાયલી હુમલામાં 10 લોકોના મોત થયા છે. ઈઝરાયલ સેનાએ હુમલા પર કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે સેના ગાઝા પટ્ટીમાં બચાવ અભિયાન ચલાવી રહી છે અને ગાઝામાં આક્રમણ અટકાવી દીધું છે.
ટ્રમ્પની શાંતિ યોજનાની મુખ્ય શરતો
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની 20 પોઈન્ટની શાંતિ યોજનામાં કહેવાયું છે કે, "ગાઝામાં તાત્કાલીક યુદ્ધ બંધ થવું જોઈએ. આ માટે ઈઝરાયલ-હમાસ બંનેએ યોજનાની શરતો માનવી પડશે. બંધકોની મુક્તી થતાં જ ઈઝરાયલ સેના પીછેહઠ કરવાનું શરૂ કરશે. જ્યારે ઈઝરાયેલ યોજનાનો અમલ કરે તેની તુરંત હમાસે 72 કલાકમાં તમામ બંધકોને મુક્ત કરવા પડશે. તેના બદલે ઈઝરાયલે 7 ઓક્ટોબર, 2023થી પકડેલા પેલેસ્ટાઈની બંધકો અને કેદીઓને છોડવા પડશે."
અગાઉ રવિવાર સાંજ સુધીનું અલ્ટીમેટમ અપાયું હતું
આ પહેલા ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, હમાસને રવિવાર સાંજ 6 વાગ્યા સુધીમાં ઈઝરાયલ સાથે શાંતિ સમજૂતી કરવી પડશે. તેમણે તે વખતે પણ ચેતવણી આપી હતી કે, સમજૂતી નહીં કરે તો બધુ જ બગડી જશે. હમાસને શાંતિ યોજના સ્વિકારવાનો અને ઈઝરાયલી બંધકોને મુક્ત કરવાની આ છેલ્લી તક છે.

