VIDEO: ઈરાન બાદ અમેરિકાના મિત્ર રાષ્ટ્રને જ ટ્રમ્પે આપી દીધી ધમકી- હોર્મુઝમાં દાદાગીરી કરશો તો 'ઉડાવી' દઈશું
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષની વચ્ચે હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના જૂના સાથી એવા ઓમાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. એક કેબિનેટ મીટિંગ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની ખાડી પર કોઈ એક દેશનું નિયંત્રણ ચલાવી લેવામાં આવશે નહીં, પછી ભલે તે ઓમાન કેમ ન હોય!
હોર્મુઝના રસ્તેથી ટોલ વસૂલવાની વાતો માત્ર અફવા: અમેરિકા
ઈરાન અને ઓમાન વચ્ચે એક ડ્રાફ્ટ એગ્રીમેન્ટની ચર્ચાઓ ચાલી રહી હતી, જેમાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પાસેથી સંયુક્તપણે 'ટોલ' ઉઘરાવવાની વાત હતી. આ માર્ગ વિશ્વના લગભગ 20 ટકા તેલ અને ગેસના પરિવહન માટે અત્યંત મહત્વનો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આ અહેવાલોને માત્ર 'ખોટા' અને અસ્વીકાર્ય ઠેરવ્યા છે.
ટ્રમ્પે ઓમાનને કડક ચેતવણી આપતા કહ્યું કે, હોર્મુઝની ખાડી આંતરરાષ્ટ્રીય જળસીમા છે. કોઈ પણ દેશ તેને કંટ્રોલ કરી શકશે નહીં. ઓમાને પણ અન્ય દેશોની જેમ 'વર્તવું' પડશે, અથવા તો અમારે તેમને 'ઉડાવી' દેવા પડશે. તેઓ આ વાત સારી રીતે સમજે છે.
અમેરિકાનું મિત્ર રાષ્ટ્ર છે ઓમાન
ઓમાન દાયકાઓથી વોશિંગ્ટનનું વિશ્વાસુ ગલ્ફ પાર્ટનર રહ્યું છે. તે અનેકવાર અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિદૂત તરીકે પણ ભૂમિકા ભજવી ચૂક્યું છે. આવા નજીકના સહયોગી દેશને ટ્રમ્પ દ્વારા અપાયેલી આ જાહેરમાં ધમકીએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
પાકિસ્તાન અને સાઉદી અરેબિયા જેવા દેશો પર ટ્રમ્પનું ભારે દબાણ
ટ્રમ્પે આ ઘટનાને અબ્રાહમ એકોર્ડ્સ સાથે જોડી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથેની કોઈપણ વાટાઘાટો ત્યારે જ સફળ થશે જો ગલ્ફના અન્ય દેશો પણ અબ્રાહમ એકોર્ડ્સનો હિસ્સો બનશે. તેમણે સાઉદી અરેબિયા, કતાર, પાકિસ્તાન, તુર્કી, ઇજિપ્ત અને જોર્ડન જેવા દેશોને આ કરારમાં જોડાવા માટે દબાણ કર્યું છે.

