ટ્રમ્પ પર હુમલા બાદ યુએસ સિક્રેટ સર્વિસના વડાએ આપ્યું રાજીનામું
અમેરિકામાં એક સપ્તાહ પૂર્વે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરમાં હુમલો થયો હતો. ત્ય

અમેરિકામાં એક સપ્તાહ પૂર્વે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાહેરમાં હુમલો થયો હતો. ત્યારે આ સ્થિતિ વચ્ચે અમેરિકી સિક્રેટ સર્વિસના ડાયરેક્ટર કિમ્બર્લી ચીટલે પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું છે. એટલું જ નહીં ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાની જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. રિપબ્લિકન પાર્ટી તરફથી તેમના પર સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. ટ્રમ્પના સમર્થકો તેમના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.
સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, ચીટલે કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં જણાવ્યું કે તેણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. યુએસ સિક્રેટ સર્વિસની જવાબદારી વર્તમાન રાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિઓની સુરક્ષા કરવાની છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પરના હુમલાને રોકવામાં સક્ષમ ન હોવાથી સિક્રેટ સર્વિસની ટીકા થઈ હતી. જે દિવસે ટ્રમ્પ પર હુમલો થયો તે જ દિવસે સોશિયલ મીડિયા પર કિમ્બર્લીના રાજીનામાની માંગ ઉઠી હતી.
સિક્રેટ સર્વિસના વડાના રાજીનામા બાદ રિપબ્લિકન હાઉસના સ્પીકર માઈક જોન્સને મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 'મને ખુશી છે કે, તેમણે યોગ્ય કામ કર્યું છે. જોકે, તેઓએ તેમાં ખૂબ જ વિલંબ કર્યો. ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા તે કરવું જોઈતું હતું."
વર્તમાન અને પૂર્વ રાષ્ટ્રપતિના સુરક્ષાની જવાબદારી હોય છે યુએસ સિક્રેટ સર્વિસના માથે
તમને જણાવી દઈએ કે, યુએસ સિક્રેટ સર્વિસના માથે વર્તમાન અને પૂર્વ રાષ્ટ્રપતિના સુરક્ષાની જવાબદારી હોય છે. જોકે, પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર થયેલા ગોળીબાર બાદ યુએસ સિક્રેટ સર્વિસ નિશાના પર આવી ગઈ છે.
13 જુલાઈના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયો હતો જીવલેણ હુમલો
ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં ગત 13 જુલાઈના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાના બટલર શહેરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. ત્યારપછી 400 ફૂટ દૂરથી એસોલ્ટ રાઈફલમાંથી નીકળેલી ગોળી તેના કાનને સ્પર્શતી પસાર થઈ હતી. જે બાદ તેમના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જોકે, બીજી તરફ ટ્રમ્પની સુરક્ષા માટે તૈનાત જવાને હુમલાખોરને ઠાર માર્યો હતો.








