VIDEO: નેપાળમાં ફરી કુદરતનો કહેર! બુઢી ગંડકી નદીમાં અચાનક પૂર, અનેક મકાનો તણાયાં
નેપાળના ગોરખા જિલ્લામાં રવિવારે સવારે બુઢી ગંડકી નદી (Budhi Gandaki Riv

નેપાળના ગોરખા જિલ્લામાં રવિવારે સવારે બુઢી ગંડકી નદી (Budhi Gandaki River)માં અચાનક જળસ્તર વધતાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. નદીના તેજ પ્રવાહ સાથે માટી અને કાટમાળ વહેતાં નદીકાંઠે આવેલાં અનેક મકાનો તણાઈ ગયાં હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી અનુસાર, જગત વિસ્તારમાં પાંચથી સાત મકાનો તણાયાં છે. ઘટનાને પગલે આસપાસનાં ગામોમાં ગભરાટ ફેલાયો છે.
સવારે 4 વાગ્યાથી વધવા લાગ્યું પાણી
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, રવિવારે વહેલી સવારે લગભગ 4 વાગ્યાથી નદીનું જળસ્તર ઝડપથી વધવા લાગ્યું હતું. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાતો હતો. ચુમનુબ્રી ગ્રામીણ નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારી નારાયણએ જણાવ્યું કે ઉગ્યુલુંગ અને સ્યાર નાળાઓમાં પણ પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું.
ગોરખાના મુખ્ય જિલ્લા અધિકારી ધર્મેન્દ્ર કુમાર મિશ્રાના જણાવ્યા અનુસાર, ચુમનુબ્રી વિસ્તારમાં સિઉરીબાસની ઉપરની તરફ ભૂસ્ખલન (Landslide) થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તેના કારણે નદીમાં પાણી અને કાટમાળનો પ્રવાહ વધ્યો હોવાની આશંકા છે.
નદીનો પ્રવાહ અટકતાં પૂર આવ્યું હોવાની આશંકા
પૂરનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી. જોકે, અધિકારીઓને શંકા છે કે ચેકેમ્પાર વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે નદીનો પ્રવાહ અટક્યો હશે. માટી અને કાટમાળ એકઠાં થતાં કામચલાઉ બંધ (Temporary Dam) જેવી સ્થિતિ સર્જાઈ હોય અને ત્યારબાદ અવરોધ તૂટતાં પાણીનો મોટો જથ્થો એકસાથે નીચેની તરફ ધસી આવ્યો હોય તેવી શક્યતા છે. આ અંગે હજી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ચુમલિંગ અને લોકપાના લોકોને ચેતવણી
નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને ચુમલિંગ અને લોકપા સહિત આસપાસનાં ગામોના લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવાની સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્રે નદીકાંઠાથી દૂર રહેવા અને ઊંચાઈવાળા વિસ્તારોમાં આશરો લેવા અપીલ કરી છે.
નેપાળની રાષ્ટ્રીય આપત્તિ જોખમ ન્યૂનીકરણ તથા વ્યવસ્થાપન સત્તામંડળ (NDRRMA)ના પૂર આગાહી વિભાગે સવારે 6:40 વાગ્યે ચેતવણી (Flood Alert) જાહેર કરી હતી. લોકોને પૂરનું પાણી પસાર ન થાય ત્યાં સુધી ત્રિશૂલી દોભાન સુધી નદીની નજીક ન જવા સૂચના આપવામાં આવી હતી.
જાનહાનિના અહેવાલ નહીં
પોલીસ અને વહીવટીતંત્ર લાઉડસ્પીકર દ્વારા લોકોને ચેતવણી આપી રહ્યાં છે. અધિકારીઓ નુકસાનની વિગતો એકત્ર કરી રહ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, નદીના તેજ પ્રવાહને કારણે જોખમ યથાવત્ છે.








