Us news: અમેરિકન રાષ્ટ્રપતિનું નવું ફરમાન, ઈરાન સાથે વેપાર કરતાં દેશો પર 25 ટકા ટેરિફ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કડક કાર્યવાહી કરી છે. તેમણે ઈરાન સાથે વેપાર કરતા દેશો પર ટેરિફ જાહેર કર્યા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ઈરાન સાથે વેપાર કરતા કોઈપણ દેશ પર 25% ટેરિફ લાદશે, જેનાથી ઈરાન અને તેના વેપારી ભાગીદારો પર આર્થિક દબાણ વધશે.
ઈરાન સાથેના તમામ વ્યવસાય પર 25% ટેરિફ ચૂકવવો પડશે
અમેરિકાના રાષ્ટ્રપતિએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આ ટેરિફની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ટેરિફ તાત્કાલિક અમલમાં આવશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથે વેપાર કરતા કોઈપણ દેશે અમેરિકા સાથે કરવામાં આવતા તમામ વ્યવસાય પર 25% ટેરિફ ચૂકવવો પડશે, અને આ તાત્કાલિક અમલમાં આવશે. આ આદેશ અંતિમ છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો
ટ્રમ્પનો આ નિર્ણય વિરોધ પ્રદર્શનોને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આવ્યો છે. તેમણે વારંવાર ઈરાનને ધમકી આપી છે. હવે, ઈરાનની કરોડરજ્જુને અવરોધવા માટે, તેમણે ઈરાન સાથે વ્યાપાર કરનારાઓ પર ટેરિફની જાહેરાત કરી છે. જો કે, આનાથી વૈશ્વિક સ્તરે અમેરિકાના સંબંધો પર પણ અસર પડી શકે છે, કારણ કે ઈરાનના ભાગીદારોમાં માત્ર પડોશી દેશો જ નહીં પરંતુ ભારત, તુર્કી, ચીન અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશો પણ શામેલ છે.
અમેરિકા અને ઈરાનના સંબંધોની ટાઈમલાઈન
1925-1941: રઝા શાહ પહેલવી
ઈરાનમાં આધુનિક રાજાશાહીનો યુગ વર્ષ 1925માં શરુ થયો હતો. રઝા શાહ પહેલવીએ 'પર્શિયા'નું નામ બદલીને 'ઈરાન' રાખ્યું.
1941-1979: મોહમ્મદ રઝા શાહ પહેલવી
તેઓ રઝા શાહ પહેલવીના પુત્ર હતા. ધાર્મિક નેતાઓ તેમના પશ્ચિમી વિચારોથી નારાજ રહેતા હતા.
16 જાન્યુઆરી, 1979: ઇસ્લામિક ક્રાંતિ
વધતા વિરોધ પ્રદર્શનોને કારણે રાજા ઈરાન છોડીને ભાગી ગયા. 2500 વર્ષ જૂની રાજાશાહીનો અંત આવ્યો.
ઈરાનને સત્તાવાર રીતે 'ઇસ્લામિક રિપબ્લિક' જાહેર કરવામાં આવ્યું
1979: અમેરિકાએ ઈરાન પર પ્રથમ વખત આકરા પ્રતિબંધો લગાવ્યા
1979-1989 : આયાતુલ્લા રુહોલ્લા ખોમેની(પ્રથમ સુપ્રીમ લીડર)નું શાસન રહ્યું. તેમના શાસનમાં ઈરાન-ઈરાક યુદ્ધ થયું.
ઈરાન-ઈરાક યુદ્ધમાં અમેરિયકએ ઈરાકના સદ્દામ હુસૈનને સમર્થન આપ્યું, હથિયારો પણ આપ્યા
1988 : અમેરિકાની સેનાએ ભૂલથી ઈરાનનું પેસેન્જર વિમાન તોડી પાડ્યું, 290 લોકોના મોત થયા
1989-વર્તમાન : આયાતોલ્લાહ ખામેનેઈ
ખોમેનીના અવસાન બાદ ખામેનેઈ સુપ્રીમ લીડર બન્યા અને ત્યારથી જ તેઓ ઈરાનના શાસક છે.
2002 : અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશે ઈરાનને દુનિયા માટે જોખમી દેશ જાહેર કર્યો
2015 : અમેરિકાના પ્રમુખ ઓબામાના શાસનમાં ઈરાન સાથે મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાઈ. પરમાણુ કાર્યક્રમ રોકવાની શરતે અમેરિકાએ ઈરાન પર અમુક પ્રતિબંધ હટાવ્યા.
2018 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરાર ભંગ કર્યો. ઈરાન પર ફરી આકરા પ્રતિબંધ લગાવવામાં આવ્યા
2020 : અમેરિકાએ ઈરાનના ટોચના જનરલ કાસેમ સુલેમાનીની ડ્રોન હુમલામાં હત્યા કરી
ભારત માટે કેમ મહત્ત્વપૂર્ણ છે ઈરાન સાથેના સંબંધ? ( ટાઈમલાઈન )
સ્વતંત્રતા પછી 1950માં ભારતે ઈરાન સાથે મૈત્રી કરાર કર્યા. 1970ના દાયકામાં ઈરાન અમેરિકાનું મિત્ર હતું, ભારતના રશિયા સાથે સારા સંબંધો હતા. છતાં ભારત અને ઈરાન વચ્ચે વેપાર ચાલુ હતો.
- 1974માં ઈન્દિરા ગાંધીના સમયમાં ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો મજબૂત થયા. ભારતને ઓઈલનો સપ્લાય મળ્યો.
- 2001માં અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા તે સમયે ભારત અને ઈરાને નક્કી કર્યું હતું કે બંને દેશો સાથે મળીને આતંકવાદ સામે લડશે અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારશે.
- 2012માં ડો. મનમોહન સિંહે તેહરાનની મુલાકાત લીધી અને અમેરિકાના પ્રતિબંધો છતાં ભારતે ઈરાન સાથે વેપાર ચાલુ રાખ્યો.
- 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનની ઐતિહાસિક મુલાકાત લીધી. ચાબહાર પોર્ટ વિકસાવવા માટે ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે ઐતિહાસિક કરાર થયા.
- 2018માં તે સમયના ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની ભારતની મુલાકાતે આવ્યા. ચબહાર પોર્ટના સંચાલનની જવાબદારી ભારતને સોંપાઈ.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ
આ વિરોધ પ્રદર્શનોએ અમેરિકા અને ઈરાન વચ્ચે નોંધપાત્ર તણાવ પેદા કર્યો છે. ઈરાનમાં બે અઠવાડિયાથી વધુ સમયથી સરકાર વિરોધી પ્રદર્શનો ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 600 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે, જ્યારે 10,670 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.યુએસ અને ટ્રમ્પે વિરોધીઓને ટેકો વ્યક્ત કર્યો છે. ટ્રમ્પે વારંવાર ધમકી આપી છે કે જો વિરોધીઓ માર્યા જાય અથવા હિંસાનો ભોગ બને તો સહાય પૂરી પાડશે.
ટ્રમ્પ ઈરાન સામે કાર્યવાહી કરવા માટે તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે
વધુમાં, વ્હાઇટ હાઉસ કહે છે કે ટ્રમ્પ ઈરાન સામે કાર્યવાહી કરવા માટે તમામ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે, જેમાં હવાઈ હુમલાનો પણ સમાવેશ થાય છે. દરમિયાન, ઈરાનના સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેની અને અન્ય ઈરાની નેતાઓ આ વિરોધ પ્રદર્શનો માટે અમેરિકા અને ઇઝરાયલને દોષી ઠેરવી રહ્યા છે. ખામેનીએ પણ ઘણી વખત અમેરિકાને ખુલ્લેઆમ ચેતવણી આપી છે. થોડા દિવસો પહેલા જ તેમણે કહ્યું હતું કે ટ્રમ્પે તેમના દેશનો નિયંત્રણ પોતાના હાથમાં લેવો જોઈએ.

