Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : UK Move Sparks Global Dispute, raid Russian oil tanker

VIDEO/ બ્રિટનના એક પગલાથી નવો વૈશ્વિક વિવાદ: રશિયા બાદ હવે ભારત પણ નારાજ થાય તેવી શક્યતા

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

UK raid Russian oil tanker: બ્રિટિશ સેનાએ ઇંગ્લેન્ડના દક્ષિણ દરિયાકાંઠે એક મોટું ઓપરેશન હાથ ધરીને રશિયાના એક શંકાસ્પદ ઓઇલ ટેન્કર 'સ્મર્ટોસ' પર મરીન કમાન્ડો અને નેશનલ ક્રાઈમ એજન્સી દ્વારા દરોડો પાડ્યો છે. હેલિકોપ્ટરની મદદથી હવામાંથી કરાયેલી આ દિલધડક કાર્યવાહી આશરે 6 કલાક સુધી ચાલી હતી, જેની મદદથી હવે આખા જહાજને બ્રિટિશ સેનાએ પોતાના અંકુશમાં લઈ લીધું છે. કેમરૂન દેશનો ધ્વજ ધરાવતું આ જહાજ રશિયાના ગુપ્ત 'શેડો ફ્લીટ' (પ્રતિબંધોથી બચીને ઓઇલની હેરફેર કરતો બેડો)નો ભાગ હોવાની શંકા છે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન માટે મોટો આંચકો ગણાતી આ ઘટનાએ ભારતની ચિંતા પણ વધારી દીધી છે, કારણ કે આ જહાજ પર કામ કરનારો મોટાભાગનો સ્ટાફ ભારતીય નાગરિકોનો છે.

App Store

22 ભારતીય નાવિકો સવાર: એકની અટકાયત

આ કથિત રશિયન ઓઇલ ટેન્કર પર કુલ 24 ક્રૂ મેમ્બર્સ સવાર છે, જેમાંથી 22 નાવિકો ભારતીય છે અને બાકીના જોર્જિયાના નાગરિકો છે. આ ટેન્કર રશિયાના ઉસ્ત-લુગા બંદરથી ઇજિપ્તના પોર્ટ સઈદ તરફ જઈ રહ્યું હતું. બ્રિટનની નેશનલ ક્રાઈમ એજન્સીના અધિકારીઓએ રશિયા પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના ઉલ્લંઘનની આશંકાના આધારે 38 વર્ષના એક ભારતીય નાગરિકની અટકાયત કરી છે અને તેની કડક પૂછપરછ હાથ ધરી છે. જોકે, બાકીના તમામ ભારતીય નાવિકો હાલ જહાજ પર જ સુરક્ષિત છે અને બ્રિટિશ એજન્સીઓની તપાસમાં સહયોગ આપી રહ્યા છે.

બ્રિટિશ પ્રધાનમંત્રીએ કહ્યું- પુતિનને મોટો ઝટકો

બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇંગ્લિશ ચેનલમાં કરવામાં આવેલું આ પ્રકારનું આ પહેલું અને સૌથી મોટું સૈન્ય ઓપરેશન છે. આ સફળતા બદલ સેનાને અભિનંદન આપતા બ્રિટનના પીએમ કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આ કાર્યવાહીથી રશિયાને આર્થિક અને વ્યૂહનીતિના મોરચે બહુ મોટો ઝટકો લાગ્યો છે. યુક્રેન યુદ્ધમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની સૈન્ય તાકાત વધારનારા અને યુદ્ધને પ્રોત્સાહન આપનારા લોકોને વૈશ્વિક સ્તરે ક્યાંય છુપાવવા દેવામાં નહીં આવે. જોકે, આ સૈન્ય કાર્યવાહી અંગે રશિયા (મોસ્કો) તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ રશિયા અગાઉ બ્રિટનના આવા પગલાંને ગેરકાનૂની અને 'સમુદ્રી લૂંટફાટ' ગણાવી ચૂક્યું છે.

હથિયારબંધ જવાનોએ હેલિકોપ્ટરમાંથી દોરડા વડે એન્ટ્રી કરી

બ્રિટિશ સંરક્ષણ મંત્રાલય દ્વારા આ ઓપરેશનનો એક રોમાંચક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ફૂટેજમાં આધુનિક એસોલ્ટ રાઈફલોથી સજ્જ બ્રિટિશ મરીન કમાન્ડો ચિનૂક, મર્લિન અને વાઈલ્ડકેટ જેવા શક્તિશાળી હેલિકોપ્ટરોમાંથી દોરડાના સહારે જહાજ પર ઉતરતા જોઈ શકાય છે. સેનાના જવાનોએ જહાજની અંદર ઘૂસીને તમામ રૂમ અને ગલિયારાઓની તપાસ કરી હતી, જ્યારે NCAના અધિકારીઓ જહાજના દસ્તાવેજો ચકાસતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઓપરેશનમાં રોયલ એરફોર્સના P-8A સમુદ્રી ગશ્તી વિમાન અને નેવીના શક્તિશાળી જહાજો HMS સધરલેન્ડ અને HMS લેડબરીએ પણ ભાગ લીધો હતો. આ જહાજ પર બ્રિટને ગયા વર્ષે ઓક્ટોબરમાં જ પ્રતિબંધ મૂક્યો હતો.

શું છે રશિયાનું આ 'શેડો ફ્લીટ' અને બ્રિટનનો આરોપ?

બ્રિટિશ સરકારનો આરોપ છે કે 'સ્મર્ટોસ' ટેન્કર રશિયાના ગુપ્ત 'શેડો ફ્લીટ' (Shadow Fleet)નો એક ભાગ છે. રશિયા આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રતિબંધોથી બચવા માટે આવા જૂના થઈ ગયેલા ઓઇલ ટેન્કરોનો ઉપયોગ કરે છે, જેના માલિકો અને ધ્વજ શંકાસ્પદ હોય છે. રશિયા આ ગુપ્ત જહાજો દ્વારા દુનિયાભરમાં પોતાના ઓઇલ અને ગેસની હેરાફેરી કરે છે અને તેમાંથી મળતા નાણાંનો ઉપયોગ યુક્રેન સામેના યુદ્ધના ફંડિંગ માટે કરે છે. નિષ્ણાતોના મતે, વૈશ્વિક સ્તરે આવા આશરે 700 શંકાસ્પદ જહાજો સક્રિય છે અને રશિયાના પ્રતિબંધિત ઓઇલના 75% હિસ્સાની હેરફેર આ 'શેડો ફ્લીટ' દ્વારા જ થાય છે. બ્રિટને અત્યાર સુધીમાં આવા 600 જેટલા જહાજો પર પ્રતિબંધ લાદી દીધો છે.