રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પ સૌથી પહેલા કરશે આ કામ, ભારતીયો માટે અમેરિકામાં અભ્યાસ કરવો થઈ શકે છે મુશ્કેલ
અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પનો સમય આવ્યો છે. જંગી બહુમતી સાથે ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્

અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પનો સમય આવ્યો છે. જંગી બહુમતી સાથે ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેમના કેમ્પેઈનમાં તેમણે 'અમેરિકા ફર્સ્ટ'ને મહત્ત્વ આપતા ઈમિગ્રેશન ઘટાડવાનું વચન આપ્યું હતું. તેમનું આ વચન ઈમિગ્રન્ટ્સ અને ખાસ કરીને ભારતીય-અમેરિકનો માટે ભારે ચિંતાનું કારણ બની ગયું છે. જો ટ્રમ્પ આવું પગલું ભરશે તો તે ઈમિગ્રન્ટ્સ અને તેમના બાળકો માટે નેચરલાઈઝ્ડ અમેરિકન સિટિઝન બનવામાં સમસ્યા ઊભી કરશે.
આ પણ વાંચો: ટ્રમ્પ-ઝેલેન્સકીની વાટાઘાટોમાં જોડાયા એલોન મસ્ક, વ્હાઇટ હાઉસમાં મહત્ત્વનું સ્થાન નક્કી?
જો કોઈ ઈમિગ્રન્ટનું બાળક અમેરિકામાં જન્મે તો તેને આપોઆપ ત્યાંની નાગરિકતા મળી જાય છે. આને નેચરલાઈઝ્ડ સિટિઝનશિપ કહેવામાં આવે છે. આવી વ્યક્તિ પાસે બે વિકલ્પ હોય છે. પ્રથમ- તે તેની અમેરિકન નાગરિકતા જાળવી રાખે. બીજું- તે તેના જીવનમાં કોઈપણ સમયે તેના દેશના નાગરિક બનવાનું પસંદ કરી શકે છે.
નેચરલાઈઝ્ડ સિટિઝનને નિયંત્રિત કરવાનું વચન આપ્યું હતું
નોંધનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે નેચરલાઈઝ્ડ નાગરિકો પર અંકુશ લાવવાનું વચન આપ્યું હતું. આ તેમના કેમ્પેઈન ડોક્યુમેન્ટનો એક ભાગ હતો. ટ્રમ્પ અને તેમના ડેપ્યુટી જેડી વેન્સે આપેલું વચન ઓવલ ઓફિસમાં કાર્યભાર સંભાળ્યાના પહેલા જ દિવસે પૂરું થશે તેમ કહેવાય છે.
ટ્રમ્પ અમેરિકામાં જન્મેલા એવા બાળકોને અમેરિકાની સિટિઝનશિપ આપવાના પક્ષમાં નથી, જેમના માતા-પિતા અમેરિકન નથી. તેમણે એક મેરિટ સિસ્ટમનો પ્રસ્તાવ મૂક્યો છે જેમાં સ્કિલ્સને ફેમિલી કનેક્શન કરતાં વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. સિટિઝનશિપ માટે અરજી કરનાર બાળકમાં શું કામ કરવાની ક્ષમતા છે તેની ચકાસણી કરવામાં આવશે.
આ પણ વાંચો: અમેરિકન નાગરિકને પરણનારને હવે નહિ મળે ગ્રીન કાર્ડ, ડિપોર્ટેશન સામે રક્ષણ આપતો નિયમ રદ
H-1B વિઝા પ્રોગ્રામના નિયમો વધુ કડક બનશે
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન H-1B માટે નિયમો અને શરતો કડક કર્યા હતા. જેના કારણે આ કેટેગરીની વિઝા અરજીઓ રિજેક્ટ થવાનો રેશિયો 4 ગણો વધી ગયો છે. હવે તેમણે H-1B વિઝા પ્રોગ્રામના નિયમોને વધુ કડક બનાવવાની વાત કરી છે.
અમેરિકન ઈતિહાસનો સૌથી મોટો ડિપોર્ટેશન પ્રોગ્રામ
પોતાના પ્રચાર દરમિયાન ટ્રમ્પે લગભગ દરેક રેલીમાં ઈમિગ્રેશન પોલિસીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "રાષ્ટ્રપતિ બન્યાના પહેલા દિવસે હું અમેરિકન ઈતિહાસનો સૌથી મોટો ડિપોર્ટેશન પ્રોગ્રામ શરૂ કરીશ." ટ્રમ્પનો ઈરાદો માત્ર ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને ટાર્ગેટ કરવાનો નથી, પરંતુ તેઓ એ સુનિશ્ચિત કરવા પણ ઈચ્છે છે કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન થાય.
ટ્રમ્પે પોતાના વિજય ભાષણમાં પણ આ જ વાત કહી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, "તમે અમેરિકા આવો, પરંતુ માન્ય માર્ગે અને માન્ય રીતે આવો. ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને રોકવા પડશે. એક મહાન અમેરિકાના નિર્માણના માર્ગમાં આ એક મોટી સમસ્યા છે."
આ પણ વાંચો: ટ્રમ્પની જીતથી બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? જાણો કેમ વધ્યું યુનુસ સરકારનું ટેન્શન
ટ્રમ્પ ઈમિગ્રેશન પર મર્યાદા લાદવાના આદેશ પર સાઈન કરશે
ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી પ્રચારની વેબસાઈટ પરના એક ડોક્યુમેન્ટ અનુસાર, તેઓ તેમના રાષ્ટ્રપતિ પદના પ્રથમ દિવસે ઈમિગ્રેશન પર મર્યાદા લાદવા માટેના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સાઈન કરવા જઈ રહ્યા છે. આ ઓર્ડર ફેડરલ એજન્સીઓને નિર્દેશિત કરશે કે માતા અથવા પિતા અમેરિકાના સિટિઝન અથવા માન્ય કાયમી નિવાસી હોવા જોઈએ જેથી તેમના ભાવિ બાળકો અમેરિકાના સિટિઝન બને."
આનો અર્થ એ છે કે ભવિષ્યમાં, જે બાળકોનો જન્મ અમેરિકામાં થયો છે, પરંતુ તેમના માતા-પિતામાંથી એક પણ અમેરિકાના સિટિઝન અથવા કાયમી નિવાસી (PR) નથી, તેઓ કદાચ નેચરલાઈઝ્ડ સિટિઝનશિપ માટે પાત્ર નહીં હોય.
OPT પર પણ મર્યાદા નક્કી કરશે
ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન F-1 સ્ટુડન્ટ વિઝા પર સ્ક્રુટિની વધારી હતી. અમેરિકામાં ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) ની સિસ્ટમ છે. આ અંતર્ગત વિદેશી વિદ્યાર્થીઓને કામ કરવા માટે સમય આપવામાં આવે છે. પરંતુ ટ્રમ્પે OPT પર પણ મર્યાદા લાદવાની વાત કરી છે. જેના કારણે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ત્યાં કામ કરવું મુશ્કેલ બનશે.
આ પણ વાંચો: અમેરિકાના આગામી પ્રમુખ બનવાની મસ્કની ઈચ્છા, લડી શકે છે 2028ની ચૂંટણી
ગ્રીન કાર્ડનો બેકલોગ 1 મિલિયનના આંકને વટાવી ગયો
એક અંદાજ મુજબ, ભારતમાંથી રોજગાર આધારિત ગ્રીન કાર્ડનો બેકલોગ 2023ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 10 લાખનો આંકડો પાર કરવાનો હતો. ગ્રીન કાર્ડ (અમેરિકાની સિટિઝનશિપ) માટે સરેરાશ રાહ જોવાનો સમય 50 વર્ષથી વધુ છે. આ સૂચવે છે કે અડધા મિલિયનથી વધુ ઈમિગ્રન્ટ્સ કે જેઓ અમેરિકામાં અભ્યાસ અથવા કામ કરવા આવ્યા છે તેઓ સિટિઝનશિપ મેળવે તે પહેલાં મૃત્યુ પામશે. આનો અર્થ એ પણ છે કે સિટિઝનશિપની રાહ જોઈ રહેલા લગભગ 1.25 લાખ બાળકો 21 વર્ષની કાયદેસરની ઉંમરને વટાવી જશે. આ પછી, જો તેઓ સ્ટુડન્ટ વિઝા જેવા વૈકલ્પિક વિઝા વિના ત્યાં રહે છે, તો તેઓ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ બની જશે.
તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને 50 રાજ્યોની 538 સીટોમાંથી 295 સીટો મળી છે. જોરદાર લડત આપવા છતાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ માત્ર 226 સીટો જીતવામાં સફળ રહ્યા છે.








