ટ્રમ્પે અમેરિકન સંસદ પાસેથી રૂ. 8.3 લાખ કરોડ માંગતા મચ્યો હોબાળો, સંરક્ષણ ક્ષેત્રે ખર્ચાશે આ પૈસા

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન યુદ્ધનો ખર્ચ અમેરિકાના ટેક્સપેયર્સ પાસેથી વસૂલવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે અમેરિકન સંસદ (કોંગ્રેસ) પાસે 87.6 અબજ ડોલર (આશરે 8.3 લાખ કરોડ રૂપિયા)ના વધારાના ફંડની મંજૂરી માગી છે. આ રકમનો મોટો હિસ્સો ઈરાન સામેના યુદ્ધ અને સૈન્ય ખર્ચ માટે વપરાશે. આ માગણી સામે સંસદમાં ભારે હોબાળો મચી ગયો છે.
ટ્રમ્પ તંત્રએ સંરક્ષણ ખર્ચ માટે જંગી રકમની માગ કરી
અહેવાલો અનુસાર, માગવામાં આવેલા 8.3 લાખ કરોડ રૂપિયામાંથી 67.15 અબજ ડોલર (આશરે 6.33 લાખ કરોડ રૂપિયા) માત્ર ડિફેન્સ સાથે જોડાયેલા ખર્ચ માટે છે. વ્હાઇટ હાઉસે સંસદના લોઅર હાઉસના અધ્યક્ષ માઇક જોહ્ન્સનને પત્ર લખીને આ સપ્લીમેન્ટ્રી ફંડિંગની તાત્કાલિક જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. આ રકમ વર્ષ 2026ના અગાઉ મંજૂર થયેલા 1.5 ટ્રિલિયન ડોલરના સંરક્ષણ બજેટ કરતાં તદ્દન અલગ છે.
હથિયારો ખરીદવા અને નવા બજેટનો પ્લાન
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ આગામી નાણાકીય વર્ષ 2027 માટે પણ 1.5 ટ્રિલિયન ડોલરના નવા સંરક્ષણ બજેટની માગ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ, આ નાણાં ઈરાન યુદ્ધના સૈન્ય અભિયાન, હથિયારોનો સ્ટોક ફરી ભરવા અને ગુપ્ત ડિફેન્સ પ્રોગ્રામ્સ પાછળ ખર્ચાશે. આમાંથી 21 અબજ ડોલર (આશરે 1.98 લાખ કરોડ રૂપિયા) માત્ર દારૂગોળો ખરીદવા અને સૈન્ય તાકાત વધારવા માટે વપરાશે.
સંસદમાં ટ્રમ્પનો ઉગ્ર વિરોધ અને હોબાળો
ટ્રમ્પ પ્રશાસનની આ માગણીને લીધે અમેરિકન સંસદમાં વિરોધ ઘણો તેજ થયો છે. સીનેટ અને પ્રતિનિધિ સભા બંનેએ પ્રસ્તાવ પસાર કરીને ઈરાન સામેની સૈન્ય કાર્યવાહી રોકવા માગ કરી છે. સાંસદોનો આક્ષેપ છે કે, ટ્રમ્પે યુદ્ધના નિર્ણયોની પૂરી માહિતી સંસદને આપી નથી. ડેમોક્રેટિક નેતા ચક શૂમરે આક્ષેપ કર્યો છે કે, ટ્રમ્પ પોતાની ભૂલો સુધારવા માટે જનતાના પૈસા માગી રહ્યા છે.
ટ્રમ્પની પોતાની પાર્ટીના નેતાઓએ કર્યો બળવો
આ મુદ્દે ટ્રમ્પની પોતાની રિપબ્લિકન પાર્ટીના કેટલાક સાંસદોએ પણ વિપક્ષ ડેમોક્રેટ્સનો સાથ આપ્યો છે અને સૈન્ય કાર્યવાહી રોકવાના પ્રસ્તાવમાં ક્રોસ વોટિંગ કર્યું છે. આ આર્થિક માગણી અને યુદ્ધ મુદ્દે રિપબ્લિકન સીનેટર બિલ કેસિડી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વચ્ચે પાર્ટીની બેઠકમાં ઉગ્ર ચર્ચા થઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.

