અમેરિકા પણ થયું ભારતનું મુરીદ: યુએસ કોંગ્રેસે UPI મોડલના કર્યા જોરદાર વખાણ, પોતાના દેશમાં લાગુ કરવા ઊઠી માગ

US Lawmakers Praise India UPI Model : અમેરિકાના વોશિંગ્ટનમાં દેશની ભાવિ પેમેન્ટ સિસ્ટમના આધુનિકીકરણને લઈને ચાલી રહેલી એક ઉચ્ચ સ્તરીય ચર્ચામાં ભારતની ડિજિટલ ક્રાંતિના વખાણ કરવામાં આવ્યા છે. અમેરિકી કાયદાનિષ્ણાંતો અને સાંસદોએ ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)નું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, કઈ રીતે એક આધુનિક પબ્લિક પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાનગી ક્ષેત્રમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપી શકે છે. આ દરમિયાન ફિનટેક કંપનીઓએ અમેરિકી કોંગ્રેસને પેમેન્ટ નેટવર્ક પરના નિયમોમાં તાત્કાલિક સુધારો કરવા વિનંતી કરી છે. ભારતસમાચાર
અમેરિકાના પરંપરાગત બેન્કિંગ મોડલ સામે ભારતનું ઉદાહરણ
હાઉસ ફાઇનાન્સિયલ સર્વિસીસ કમિટીની સબકમિટી ઓન ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સની બેઠકમાં આ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આ સુનાવણી દરમિયાન સાંસદોએ તપાસ કરી હતી કે શું અમેરિકાએ તેના નિયમનકારી માળખાને આધુનિક બનાવવું જોઈએ. જેથી લાયક બિન-બેંક પેમેન્ટ કંપનીઓને પરંપરાગત બેંકિંગ મધ્યસ્થીઓ પર નિર્ભર રહેવાને બદલે ફેડરલ રિઝર્વના પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી સીધી પહોંચ મળી શકે.
સ્ટ્રાઇપે આપ્યું UPI નું ઉદાહરણ
વિશ્વવિખ્યાત ફિનટેક કંપની 'સ્ટ્રાઇપ'ના વાઇસ ચેર ઇલીન ઓ'મારાએ સાંસદોને જણાવ્યું હતું કે, જે દેશોએ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી સીધી પહોંચ આપી છે, ત્યાં નોંધપાત્ર ઇનોવેશન જોવા મળ્યું છે. તેમણે આ બાબતમાં બ્રાઝિલ અને ભારત બંને દેશોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, "યુકેએ આ કામ 2017 માં અને યુરોપિયન યુનિયને 2024 માં કર્યું હતું, જેના પરિણામો વાસ્તવિક છે. પરંતુ ભારતમાં UPI સાથે આનાથી પણ મોટા પાયે આ જ ક્રાંતિ થતી આપણે જોઈ છે."
અમેરિકા પાસે સિસ્ટમ છે પણ પ્રોડક્ટ લેયર નથી
ઇલીન ઓ'મારાએ દલીલ કરી હતી કે અમેરિકા પાસે 'FedNow' ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે ખરી, પરંતુ તેની પર કોઈ પ્રોડક્ટ લેયર નથી. ભારતના UPI જેવું પ્રોડક્ટ લેયર જો અમેરિકામાં લાવવું હોય તો સ્ટ્રાઇપ જેવી પેમેન્ટ કંપનીઓને સીધું એક્સેસ આપવું પડશે, જે ડિજિટલ પેમેન્ટના એડોપ્શનને ઝડપથી વધારી શકે છે. અમેરિકી કોંગ્રેસના મહિલા સભ્ય રશીદા તલૈબે પણ ભારતીય ડિજિટલ પેમેન્ટની સફળતાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત UPI દર મહિને અબજો ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરે છે. તેમણે યુએસ સિસ્ટમ સાથે તેની સરખામણી કરતા કહ્યું કે, ભારત અને બ્રાઝિલની સિદ્ધિઓ દર્શાવે છે કે લાખો યુઝર્સ માટે 'મોટા પાયે ફ્રી ઇન્સ્ટન્ટ ટ્રાન્ઝેક્શન સિસ્ટમ' પહેલેથી જ એક વાસ્તવિકતા છે. ભારતસમાચાર

