Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : "The Patel Motel Story": The Patel Identity Empire in the American Industry

"The Patel Motel Story": અમેરિકન મોટેલ ઉદ્યોગમાં પટેલોનું વિશાળ સામ્રાજ્ય 

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2025
લાઇવ ટીવીGoogle News
"The Patel Motel Story": અમેરિકન મોટેલ ઉદ્યોગમાં પટેલોનું વિશાળ સામ્રાજ્ય 
સોર્સ : GSTV
"The Patel Motel Story" નામની એક શોર્ટ ફિલ્મ જૂન મહિનામાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં "ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ"માં પ્રદર્શિત થઈ હતી. પ્રેક્ષકોએ વખાણેલી આ ફિલ્મની શરૂઆત એક આશ્ચર્યજનક આંકડાથી થાય છે: 'અમેરિકામાં સાદી મોટેલથી લઈને ફોર સીઝન્સ જેવી ભવ્ય હોટેલ્સ સુધીની 60% હોટલ અને મોટેલની માલિકી ભારતીય વંશજોની છે અને ભારતીયો અમેરિકાની કુલ વસ્તીના માત્ર 1% છે.' ગુજરાતના પટેલોએ અમેરિકામાં હોટલ-મોટેલનું વિશાળ આર્થિક સામ્રાજ્ય કઈ રીતે ફેલાવ્યું, એની વાત કહેતી 13 મિનિટની આ નાનકડી ફિલ્મ અમેરિકાના વિવિધ ફિલ્મોત્સવો દ્વારા દર્શકોનું દિલ જીતી રહી છે.
App Store

કચકડે કંડારાયેલી મહાન પ્રવાસી ગાથા 

"The Patel Motel Story" ફિલ્મની દિગ્દર્શક જોડી છે અમર શાહ અને રાહુલ રોહાતગી. આ ડોક્યુમેન્ટ્ર્રી ફિલ્મમાં અન્યો સાથે અમર શાહના પરિવારની સફળતાની કહાની પણ દર્શાવવામાં આવી છે. ફિલ્મના પ્રમોશનમાં એક સબળ મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે કે, 'હોટેલ વ્યવસાયમાં સૌથી મોટું નામ હિલ્ટન, મેરિયોટ અથવા રિટ્ઝ નથી, પણ પટેલ છે!' ફિલ્મના નિર્માતાઓ પટેલોની સફળતાની આ ગાથાને 'ક્યારેય ન કહેવાયેલી મહાન પ્રવાસી ગાથા' તરીકે ઓળખાવે છે. 

યુવાવયે અનુભવેલી "શરમ" પાકટવયે "ગૌરવ"નું કારણ બની 

અમર શાહનો પરિવાર ગુજરાતથી અમેરિકા આવ્યો હતો. શરૂઆતમાં તેમના પિતા ફ્લોરિડામાં પેટ્રોલ પંપ પર કામ કરતા હતા. એ પછી તેઓ મોટેલના માલિક બન્યા. કિશોરાવસ્થાથી જ અમર પણ મોટેલમાં નાના-મોટા કામ કરતા, જેવા કે ફોન કૉલના જવાબ આપવા, મહેમાનોનું સ્વાગત કરવું અને રૂમ સાફ કરવા. પણ ત્યારે અમરને લાગતું કે મોટેલનો વ્યવસાય કઠોર શારીરિક શ્રમ કરાવતી નોકરીથી વિશેષ કશું નથી. એ વ્યવસાય કરવામાં તેને શરમ પણ અનુભવાતી. જેને લીધે તેમણે કરિયર માટે અલગ માર્ગ પસંદ કર્યો, પત્રકારત્વનો અભ્યાસ કર્યો અને ESPN, NFL જેવી સંસ્થાઓ માટે લેખક અને નિર્માતા તરીકે કારકિર્દી બનાવી.
 
સમય જતાં તેમને પોતાના મૂળિયાં તરફ પાછા ફરવાની અને એની કથા દુનિયા સમક્ષ રાખવાની ઇચ્છા જાગી, જે આ ફિલ્મ રૂપે સાકાર થઈ. આજે, 45 વર્ષની વયે પહોંચેલા અમર શાહ સમજે છે કે મોટેલ વ્યવસાયમાં સફળ થયેલા ગુજરાતીઓ કેવા અદભુત અનુભવો ધરાવે છે અને એ અનુભવો જ દુનિયાને દેખાડવા માટે એમણે આ શોર્ટ ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં તેમણે અમેરિકાની ધરતી પર હોટલ-મોટેલ વ્યવસાયમાં સફળ થયેલા અન્ય પટેલોની સફળતા પણ દર્શાવી છે, જેમાં અમેરિકાના 'પહેલા પટેલ હોટેલિયર' કાનજી મંચુ દેસાઈ અને સારોલિયા પરિવારની સક્સેસ સ્ટોરીઝનો સમાવેશ થાય છે. 

નાનકડી ડોક્યુમેન્ટ્રી મોટું સ્વરૂપ લેશે 

"The Patel Motel Story" ફિલ્મના અંતમાં વિવિધ હોટેલ માલિકો પોતાનો પરિચય આપે છે. સૌ અલગઅલગ વેશભૂષામાં દેખાય છે, પણ સૌની અટક એક જ છે, પટેલ! આ ફિલ્મને મળેલી સરાહનાથી ઉત્સાહિત અમર શાહ અને તેમની ટીમ હવે આ વિષય પર એક લાંબી ડોક્યુમેન્ટ્રી સીરિઝ અથવા ફીચર ફિલ્મ બનાવવા માંગે છે, કેમ કે એમની પાસે કહેવા માટે હજુ ઘણી પટેલ-કથાઓ બાકી છે. 

અમેરિકન અર્થતંત્રમાં પટેલોનું અમૂલ્ય પ્રદાન

એશિયન અમેરિકન હોટેલ એસોસિએશનના મતે, અમેરિકામાં પટેલો 33,000થી વધુ હોટલો અને મોટેલોની માલિકી ધરાવે છે, જેના દ્વારા લાખો નોકરીઓનું સર્જન અને અબજો ડોલરની આવક થાય છે, જે અમેરિકાના અર્થતંત્રમાં અમૂલ્ય પ્રદાન કરે છે.