મધ્ય પૂર્વમાં તણાવ: સાઉદીના એરપોર્ટ, રિફાઇનરી અને પાવર સ્ટેશનને નિશાન બનાવ્યા હોવાનો હુથીઓનો દાવો

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરબના મહત્ત્વના ઠેકાણા પર મોટા હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ, ઈરાને પણ પોતાની સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરતા 3 નવા નાના માનવરહિત ડ્રોન રજૂ કર્યા છે.
48 કલાકમાં મહત્ત્વના ઠેકાણા નિશાના પર હોવાનો દાવો
હુથી બળવાખોરોએ શનિવારે દાવો કર્યો હતો કે તેમણે છેલ્લા 48 કલાકમાં સાઉદી અરબની અંદર અનેક મહત્ત્વના સ્થળોને નિશાન બનાવ્યા છે. હુથીઓના જણાવ્યા મુજબ રાજધાની રિયાદનું કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જાઝાન ઓઇલ રિફાઇનરી અને દક્ષિણ સાઉદી અરબમાં આવેલા 2 પાવર સ્ટેશન તેમના નિશાના પર હતા.
ઈરાનના 3 નવા નાના ડ્રોન લોન્ચ
આ ઘટનાક્રમ વચ્ચે ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની એરોસ્પેસ ફોર્સે પણ પોતાની ડ્રોન ક્ષમતા બતાવી છે. તસ્નીમ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, IRGC એ શનિવારે ઉત્તર-પૂર્વ ઈરાનના મશહદ શહેરમાં યોજાયેલા એક પ્રદર્શન દરમિયાન 3 નવા લઘુ માનવરહિત હવાઈ વાહનો (UAV) લોન્ચ કર્યા હતા.
કાઉન્ટર-ડ્રોન અને આત્મઘાતી હુમલાની ક્ષમતા
આ નવા ડ્રોન પૈકી 1 ડ્રોનને ખાસ કરીને દુશ્મનના ડ્રોનને તોડી પાડવાના (કાઉન્ટર-ડ્રોન મિશન) હેતુથી ડિઝાઈન કરાયો છે. જ્યારે બાકીના 2 ડ્રોન નજીકની લડાઈમાં દુશ્મનની સૈન્ય ટુકડીઓ પર આત્મઘાતી હુમલા કરવા માટે તૈયાર કરાયા છે. ઈરાની સેના IRGC એ જણાવ્યું હતું કે આ નવા ડ્રોન જમીની વ્યૂહાત્મક ટુકડીઓની હવાઈ સુરક્ષા સંબંધિત અનેક જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ છે. સેનાના મતે યુદ્ધ દરમિયાન માઈક્રો-ડ્રોનથી વધી રહેલા જોખમોનો અસરકારક સામનો કરવામાં આ ટેકનોલોજી ઉપયોગી સાબિત થઈ શકે છે.













