'અમને મોટું નુકસાન થયું', લોસ એન્જલસમાં ભૂકંપથી દુકાનમાં હજારો ડોલરની વાઇનની બોટલો તૂટી

'અમને મોટું નુકસાન થયું': લોસ એન્જલસમાં ભૂકંપથી દુકાનમાં હજારો ડોલરની વાઇનની બોટલો તૂટી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકાના કેલિફોર્નિયાના હર્મોસા બીચમાં આવેલી બોકાટોઝ ગ્રોસરીઝ (Boccato's Groceries) નામની દુકાનને શનિવારે આવેલા ભૂકંપ અને ત્યારબાદના આફ્ટરશોકને કારણે મોટું નુકસાન થયું છે. દુકાનના કર્મચારીના જણાવ્યા અનુસાર, ભૂકંપના કારણે અંદાજે 45,000 ડોલરની વાઇનની બોટલો તૂટી ગઈ હતી. કર્મચારીએ આ ઘટનાને 'એક પછી એક લાગેલા બે મોટા આંચકા' ગણાવી હતી.

લોસ એન્જલસ વિસ્તારમાં 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવતા દુકાનના ફ્લોર પર વાઇનની સેંકડો બોટલો તૂટીને વેરવિખેર થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. વીડિયોમાં ભૂકંપના આંચકાને કારણે દુકાનની બોટલો નીચે પડતી અને તૂટતી જોવા મળે છે. આ વીડિયો જોઈને એવા લોકોને પણ ભૂકંપની ભયાનકતાનો અંદાજ આવી શકે છે, જેમણે ક્યારેય ભૂકંપનો અનુભવ નથી કર્યો. જોકે, દુકાનના પ્રતિનિધિ જે હેરોને જણાવ્યું હતું કે, વીડિયોમાં સમગ્ર ઘટનાની જાણકારી સામે નથી આવી.

જાહેરાત

વીડિયો વાયરલ થયા બાદ થોડા જ સમયમાં બીજો એક વીડિયો પણ સામે આવ્યો હતો. તેમાં શક્તિશાળી આફ્ટરશોક દરમિયાન વાઇનની બોટલો ફરી એકવાર જમીન પર પડતી અને તૂટતી જોવા મળી હતી. હેરોને જણાવ્યું હતું કે, "અમને થોડા કલાકોના અંતરે બે વખત નુકસાન થયું હતું." અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) અનુસાર, શનિવારે સવારે સ્થાનિક સમય પ્રમાણે કેલિફોર્નિયાના મેનહટન બીચના દરિયાકાંઠે ભૂકંપ આવ્યો હતો. તેના કારણે લોસ એન્જલસના ડાઉનટાઉનથી લગભગ 30 માઇલ (48 કિલોમીટર) દક્ષિણ-પશ્ચિમમાં આવેલા વિસ્તારોમાં પણ ધરતી ધ્રૂજી ઊઠી હતી. આ ભૂકંપ બાદ 40થી વધુ આફ્ટરશોક નોંધાયા હતા.

લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટે શનિવારે એક એલર્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે, ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે ઇમારતોને નુકસાન થયાના અહેવાલ નથી. નુકસાનની તપાસ કરવા માટે આસપાસના ફાયર સ્ટેશનોમાંથી કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, બોકાટોઝ ગ્રોસરીઝમાં અંદાજે 45,000થી 50,000 ડોલરનું નુકસાન થયું હોવાનું હેરોને જણાવ્યું હતું. તેણે કહ્યું કે, ભૂકંપનો પહેલો વીડિયો દુકાન ખુલતા પહેલાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો, પરંતુ આફ્ટરશોક આવ્યો ત્યારે દુકાનમાં ગ્રાહકો હાજર હતા અને અલગ-અલગ વિભાગોમાં ખરીદી કરી રહ્યા હતા.

હેરોને જણાવ્યું હતું કે, "આજે સફાઈ કરવામાં ઘણો સમય ગયો. અમે બધું જ નથી ગુમાવ્યું, પરંતુ અમને મોટું નુકસાન થયું છે." દુકાનની છાજલીઓ પર બોટલોને સુરક્ષિત રાખવા માટે કોઈ ખાસ વ્યવસ્થા નહતી કરવામાં આવી. ભૂકંપની સંભાવના ધરાવતા વિસ્તારોમાં સામાન્ય રીતે વાયરનો ઉપયોગ કરીને છાજલીઓ પર રાખેલી વસ્તુઓને નીચે પડતી અટકાવવામાં આવે છે. પરંતુ આ દુકાનમાં આવી કોઈ સુરક્ષા વ્યવસ્થા નહતી. હેરોને કહ્યું હતું કે, "છાજલીઓ પર કોઈ સુરક્ષા નહતી, કારણ કે અત્યાર સુધી અમને તેની જરૂર નહતી પડી."

કેલિફોર્નિયામાં નાના ભૂકંપ આવવા સામાન્ય બાબત છે, પરંતુ આ વિસ્તારમાં આટલી તીવ્રતાનો ભૂકંપ અનુભવાયાને એક દાયકાથી વધુ સમય થઈ ગયો છે. આટલી મોટી સંખ્યામાં આફ્ટરશોક આવવા પણ દુર્લભ છે. હેરોને જણાવ્યું હતું કે, 1994માં આવેલા નોર્થરિજ ભૂકંપ પછી તેમને આટલો મોટો આંચકો યાદ નથી. નોર્થરિજ ભૂકંપની તીવ્રતા 6.7 હતી. આ ભૂકંપમાં 57 લોકોનાં મોત થયા હતા અને અનેક રસ્તાઓ તથા ઇમારતોને નુકસાન થયું હતું.

અમેરિકામાં અલાસ્કા પછી કેલિફોર્નિયા બીજું સૌથી વધુ ભૂકંપપ્રવૃત્ત રાજ્ય છે. દક્ષિણ કેલિફોર્નિયામાં સરેરાશ દર ત્રણ મિનિટે એક ભૂકંપ આવે છે. જોકે, મોટાભાગના ભૂકંપ એટલા હળવા હોય છે કે તેનો અનુભવ થતો નથી. દર વર્ષે લગભગ 15થી 20 ભૂકંપની તીવ્રતા 4.0થી વધુ નોંધાય છે.

બોકાટોઝ ગ્રોસરીઝની નજીક આવેલા લોસ એન્જલસ ઈન્ટરનેશનલ એરપોર્ટ (LAX) પર પણ શનિવારના ભૂકંપની અસર જોવા મળી હતી. એરપોર્ટની બારીઓ તૂટી ગઈ હતી અને ટર્મિનલના વોકવેના એક ભાગને બંધ કરવાની ફરજ પડી હતી. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એરપોર્ટની છત પરની પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટેલી પણ જોવા મળી હતી.

આ ઉપરાંત, ભૂકંપ દરમિયાન લોસ એન્જલસ એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલર અને ડેલ્ટા એરલાઇન્સના વિમાન વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો અને ઓડિયો પણ સામે આવ્યો છે. વિમાન રનવે પર ઉતરવાની તૈયારીમાં હતું ત્યારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન એર ટ્રાફિક કંટ્રોલરે પાયલટને વિમાનનું લેન્ડિંગ અટકાવી દેવા અને ઉતરાણ રદ્દ કરવાની સૂચના આપી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત