Video: અફઘાનિસ્તાનના કુનારમાં શાળામાં વિસ્ફોટ, 7ના મોત અને 97 ઘાયલ

સોર્સ: gstv

અફઘાનિસ્તાનના પૂર્વી કુનાર પ્રાંતમાં શનિવારે એક મિડલ સ્કૂલ પાસે થયેલા ભયાનક વિસ્ફોટમાં સાત લોકોના મોત થયા છે અને ૯૭ લોકો ઘાયલ થયા છે. કુનારના માહિતી અને સંસ્કૃતિ નિર્દેશક સમીઉલ હક હક બયાન અનુસાર પ્રાંતીય રાજધાની અસદાબાદમાં આવેલી શાગી મિડલ સ્કૂલ નજીકના એક ઘરમાં આ વિસ્ફોટ થયો હતો. ઘટના બાદ સાત મૃતદેહો અને ૯૭ ઘાયલોને કુનાર પ્રાંતીય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પ્રવક્તા ફરીદ દેહકાનના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટ સવારે આશરે ૧૦ વાગ્યે થયો હતો. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે કુનાર-નુરિસ્તાન હાઈવે પર ખનન કાર્ય અને ખડકો હટાવવા માટે વિસ્ફોટકો તૈયાર કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન સ્કૂલ પાસેના એક ઘરમાં રાખેલા આ વિસ્ફોટકોમાં અચાનક ધડાકો થયો હતો. હોસ્પિટલમાં સામાન્ય ઈજાગ્રસ્ત થયેલા કેટલાક લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય ઘાયલોની સારવાર હજુ ચાલુ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત