હવે અંતરિક્ષ બનશે યુદ્ધનું મેદાન: અમેરિકન સ્પેસ ફોર્સે ઓર્બિટમાં ગોઠવ્યા હથિયારો, શિયા-ચીન એલર્ટ

વિશ્વના અલગ-અલગ ખૂણે ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે હવે અંતરિક્ષમાં પણ સૈન્ય હથિયારોની સ્પર્ધા તેજ થઈ ગઈ છે. અમેરિકન સ્પેસ ફોર્સ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અમેરિકાએ હવે પૃથ્વીની કક્ષા (ઓર્બિટ)માં હથિયારો તૈનાત કરી દીધા છે. આ સાથે જ અમેરિકાએ પહેલીવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે તેની પાસે ઓર્બિટમાં હથિયારો તૈનાત કરવાની ક્ષમતા છે.
સ્પેસ કંટ્રોલ વેપન્સ અને મિશન
એજન્સીના અહેવાલ મુજબ, અમેરિકન સ્પેસ ફોર્સના પ્રવક્તાએ જણાવ્યું છે કે દેશ પાસે ઓર્બિટમાં એવા 'સ્પેસ કંટ્રોલ વેપન' છે, જે દુશ્મનોની કાર્યવાહી સામે સંયુક્ત દળોનું રક્ષણ કરી શકે છે. જોકે, અંતરિક્ષમાં કયા ચોક્કસ હથિયારો ગોઠવવામાં આવ્યા છે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. સ્પેસ કંટ્રોલ મિશન અંતર્ગત કાઈનેટિક અને નોન-કાઈનેટિક પદ્ધતિઓ દ્વારા દુશ્મનની ક્ષમતાઓને પ્રભાવિત કરવામાં આવે છે.
અંતરિક્ષનું સૈનિકરણ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ
અંતરિક્ષમાં હથિયારો મોકલવાની અને તેને નિયંત્રિત કરવાની આ રેસ નવી નથી. વર્ષ 1957માં રશિયા દ્વારા 'સ્પુતનિક' લોન્ચ કરવામાં આવ્યા બાદથી જ અમેરિકા અને મોસ્કો વચ્ચે સેટેલાઇટ નષ્ટ કરવા અને હથિયારો મોકલવાની હોડ શરૂ થઈ ગઈ હતી. વર્ષ 1967માં 'આઉટર સ્પેસ ટ્રીટી' પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેના દ્વારા ઓર્બિટમાં મોટા પાયે તબાહી મચાવતા હથિયારો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
સંઘર્ષની સ્થિતિમાં સેટેલાઇટ પર જોખમ
આ કરાર અને પ્રતિબંધો હોવા છતાં અમેરિકા, ચીન અને રશિયા આ સંધિથી બહાર રહીને અંતરિક્ષમાં યુદ્ધની નવી પદ્ધતિઓ વિકસાવી રહ્યા છે. વર્તમાન સમયમાં સેટેલાઇટ મિલિટરી કોમ્યુનિકેશન, સર્વેલન્સ અને નેવિગેશન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં દુશ્મન દેશના સેટેલાઇટને નિશાન બનાવીને તેને નિષ્ક્રિય કરી શકાય છે.

