સાઉદી અરેબિયામાં ઐતિહાસિક પરિવર્તન! પૂલ સાઇડમાં પ્રથમ સ્વિમવેરનો ફેશન શો યોજાયો, જુઓ Photo
સાઉદી અરેબિયાના ઈતિહાસમાં શુક્રવારે એક નવો અધ્યાય લખાયો. જે દેશમાં એક દાયકા કરતા પણ ઓછા સ

સાઉદી અરેબિયાના ઈતિહાસમાં શુક્રવારે એક નવો અધ્યાય લખાયો. જે દેશમાં એક દાયકા કરતા પણ ઓછા સમય પહેલા મહિલાઓએ શરીરને સંપૂર્ણ ઢાંકી દે તેવા અબાયા ડ્રેસ પહેરવા ફરજીયાત હતા, ત્યાં હવે પ્રથમવાર સ્વિમવેરના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વિમસ્યુટ પહેરેલી મોડલ્સ જોવા મળી હતી. આ ફેશન શો સાઉદી અરેબિયા જેવા દેશમાં મોટા પરિવર્તનનું પ્રતિક છે.
પૂલ સાઈડમાં આયોજિત આ શોમાં મોરોક્કન ડિઝાઈનર યાસ્મિના કાંજલ દ્વારા ડિઝાઈન કરાયેલા ડ્રેસ રજૂ કરવામાં આવ્યા હતા. આમાંના મોટાભાગના લાલ, બેઝ અને વાદળી રંગના વન-પીસ સૂટનો સમાવેશ થાય છે. ફેશન શોમાં હાજર મોટાભાગની મોડલ્સના ખભા ખુલ્લા હતા અને તેમાંથી કેટલાકના મિડલ સેક્શનનો અમુક ભાગ દેખાતો હતો.
સાઉદી અરેબિયાનો પ્રથમ સ્વિમવેર ફેશન શો
ડિઝાઇનર યાસ્મિના કંજલે જણાવ્યું હતું કે, "તે સાચું છે કે આ દેશ ખૂબ જ રૂઢિચુસ્ત છે પરંતુ અમે મહાન આરબ વિશ્વનું પ્રતિનિધિત્વ કરતા સ્વિમસૂટ બતાવવાનો પ્રયાસ કર્યો હતો." કંજલે કહ્યું, "જ્યારે અમે અહીં આવ્યા ત્યારે અમે સમજી ગયા કે સાઉદી અરેબિયામાં સ્વિમસૂટ ફેશન શો એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે આ પ્રકારનો શો અહીં પહેલીવાર યોજવામાં આવ્યો છે. તેમાં સામેલ થવું એક "સન્માન"ની વાત છે.
સાઉદી અરેબિયાના પશ્ચિમ કિનારે સેન્ટ રેગિસ રેડ સી રિસોર્ટ ખાતે રેડ સી ફેશન વીકના ઉદ્ઘાટનના બીજા દિવસે આ શો યોજાયો હતો. આ રિસોર્ટ રેડ સી ગ્લોબલનો એક ભાગ છે, જે સાઉદી અરેબિયાના વિઝન 2030 સામાજિક અને આર્થિક સુધારણા કાર્યક્રમ હેઠળ કહેવાતા ગીગા-પ્રોજેક્ટ્સમાંનો એક છે. આ પ્રોજેક્ટ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના માર્ગદર્શન હેઠળ આકાર લઈ રહ્યો છે.
સાઉદી અરેબિયામાં, પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને વહાબીઝમ તરીકે ઓળખાતી સાઉદી અરેબિયાની ઐતિહાસિક રીતે પ્રચલિત કડક ઇસ્લામિક છબીને નરમ કરવા માટે નાટકીય સામાજિક સુધારાઓનું કાર્ય શરુ કર્યું છે.
આ ફેરફારો હેઠળ, સાઉદી અરેબિયામાં દંડાના બળનો ઉપયોગ કરનાર ધાર્મિક પોલીસને દૂર કરવામાં આવી હતી. આ એ જ પોલીસ છે જે લોકોને નમાજ માટે મોલની બહાર લાવતી હતી. દેશમાં સિનેમા હોલ ફરીથી ખોલવામાં આવ્યા છે અને પુરુષો અને સ્ત્રીઓના સાથે સંગીતના કોન્સર્ટ શરૂ થયા છે.
પ્રિન્સ એવા પગલાં ભરી રહ્યા છે જે જૂની દમનકારી નીતિઓને જડબાતોડ જવાબ આપી રહી છે. જેમાં રૂઢિચુસ્ત મૌલવીઓ પણ સામેલ છે. ફેશન શોમાં હાજરી આપનાર સીરિયન ફેશન પ્રભાવક શૌક મોહમ્મદે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયા દુનિયા માટે પોતાના દરવાજા ખોલી રહ્યું છે, આ ફેશન શો અને પર્યટન ક્ષેત્રોને વિકસાવવાના પ્રયાસોને જોતાં તે સમજી શકાય તેમ છે.
સત્તાવાર સાઉદી ફેશન કમિશન દ્વારા ગયા વર્ષે પ્રકાશિત કરાયેલા અહેવાલ મુજબ, 2022માં દેશની અર્થવ્યવસ્થામાં ફેશન ઉદ્યોગનું યોગદાન $12.5 બિલિયન અથવા GDPના 1.4 ટકા હતું અને તેણે 230,000 લોકોને રોજગારી પૂરી પાડી હતી.
શૌક મોહમ્મદે કહ્યું, "સાઉદી અરેબિયામાં સ્વિમસૂટ ફેશન શો કરવાનો આ પહેલો પ્રસંગ છે, કેમ નહીં? અમે તે અહીં કર્યું છે,"
આ ફેશન શોનો હિસ્સો રહેલા ફ્રેન્ચ પ્રભાવક રાફેલ સિમાકોર્બે કહ્યું કે તેમની નજરમાં કંઈ અજુગતું નથી, પરંતુ સાઉદી સંદર્ભને ધ્યાનમાં લેતાં આ એક મોટી ઉપલબ્ધિ છે. તેણે કહ્યું, "તે તેમના માટે ખૂબ જ બહાદુરીની વાત છે, તેથી હું તેનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું."








