UK Election Result: બ્રિટનમાં ઋષિ સુનકે સ્વીકારી હાર, સ્ટારમરને જીત પર પાઠવ્યા અભિનંદન
બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. સામાન્ય ચૂંટણી માટે મતદાન 4 જુલાઈના

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. સામાન્ય ચૂંટણી માટે મતદાન 4 જુલાઈના રોજ થયું હતું. હજારો ચૂંટણી કાર્યકરો દેશભરના મતગણતરી કેન્દ્રો પર લાખો મતપત્રોની ગણતરી કરી રહ્યા હતા, ત્યારે કન્ઝર્વેટિવ્સને ઐતિહાસિક હારનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વડાપ્રધાન ઋષિ સુનકે રિચમંડ સીટ પરથી ચૂંટણી જીતી છે. વડા પ્રધાન ઋષિ સુનકે હારનો સ્વીકાર કરી સ્ટારમરને અભિનંદન પાઠવ્યા છે. 14 વર્ષ બાદ લેબર પાર્ટી સત્તામાં આવી રહી છે.
યુનાઇટેડ કિંગડમમાં 2024ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીએ જીત મેળવી છે, આ સાથે ઋષિ સુનકે હાર સ્વીકારી લીધી છે. વર્તમાન વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું કે આ સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીએ જીત મેળવી છે. મેં કીર સ્ટારમરને તેમની જીત પર અભિનંદન આપવા માટે ફોન કર્યો છે. સુનકે એમ પણ કહ્યું કે આજે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સત્તા પરિવર્તન થશે.
માહિતી અનુસાર, લેબર પાર્ટીએ સત્તાવાર રીતે બ્રિટિશ સંસદમાં બહુમતી માટે જરૂરી સંખ્યામાં બેઠકો જીતી લીધી છે. સવારે 5 વાગ્યા સુધીમાં લેબર પાર્ટીએ 650માંથી 326 સીટો જીતી લીધી હતી. લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમર હવે બહુમતી સરકાર બનાવશે.
650 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી
યુકેમાં 650 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી અને ગુરુવારે રાત્રે 10 વાગ્યા સુધી મતદાન થયું હતું. જે બાદ એક્ઝિટ પોલ સામે આવ્યા હતા, જે મુજબ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે લેબર પાર્ટી 14 વર્ષ બાદ સત્તામાં વાપસી કરી રહી છે. એક્ઝિટ પોલ અનુસાર, વડાપ્રધાન ઋષિ સુનકની પાર્ટીને 650માંથી 131 બેઠકો મળવાની આશા હતી. જ્યારે લેબર પાર્ટીને 410 સીટો જીતવાની આશા હતી.








