મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ભારત માટે રાહતના સમાચાર: હોર્મુઝ સ્ટ્રેટમાંથી 46 હજાર ટન LPG ભરેલું ભારતીય જહાજ સુરક્ષિત રીતે રવાના

Strait of Hormuz: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન સ

ભારત માટે રાહતના સમાચાર: હોર્મુઝ સ્ટ્રેટમાંથી 46 હજાર ટન LPG ભરેલું ભારતીય જહાજ સુરક્ષિત રીતે રવાના
આ સમાચાર સાંભળો

Strait of Hormuz: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ભારત માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે(4 એપ્રિલ, 2026) LPGથી ભરેલું બીજું એક ભારતીય જહાજ હોર્મુઝની સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું છે. જેનાથી દેશની અંદર વધતા LPG સંકટને ઘટાડવામાં નોંધપાત્ર સહાય પૂરી પાડવાની અપેક્ષા છે. 'ગ્રીન સાનવી' નામનું આ ભારતીય જહાજ આશરે 46,650 ટન LPGનું પરિવહન કરી રહ્યું છે અને હોર્મુઝની સ્ટ્રેટને સફળતાપૂર્વક અને સુરક્ષિત પાર કરીને ભારત આવવા રવાના થયું છે. સંઘર્ષની હાલની પરિસ્થિતિને કારણે વિવિધ દેશોના લગભગ 300 જહાજો હાલમાં હોર્મુઝની સ્ટ્રેટમાં ફસાયેલા છે.

વિવિધ દેશોના 300 જહાજો ફસાયેલા
યુદ્ધની પરિસ્થિતિને કારણે વિવિધ દેશોના આશરે 300 જહાજો હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા છે. આ જહાજોમાં સૌથી વધુ સંખ્યા ચીનની છે, જેમાં હાલમાં 60 થી 70 જહાજો અટવાયેલા છે. ભારત તેના દૈનિક LPG વપરાશ (આશરે 100,000 ટન)ને પહોંચી વળવા માટે આયાત પર ખૂબ આધાર રાખે છે. છેલ્લા 10 દિવસમાં હોર્મુઝથી રવાના થયેલા જહાજો ભારત માટે મહત્ત્વપૂર્ણ છે.

ભારતને અત્યાર સુધીમાં 2.79 લાખ ટનથી વધુ LPG મળ્યું
ભારતને અત્યાર સુધીમાં પહોંચેલા જહાજોમાંથી 2.79 લાખ ટનથી વધુ LPG મળ્યું છે. આ જથ્થો લગભગ ત્રણ દિવસની સમગ્ર દેશની કુલ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પૂરતો છે. તાજેતરમાં આ જ માર્ગ પરથી ત્રણ ઓમાની ટેન્કરો પસાર થયા બાદ એવી શક્યતા મજબૂત થઈ છે કે હોર્મુઝ સ્ટ્રેટના પશ્ચિમી ક્ષેત્રમાં ફસાયેલા અન્ય ભારતીય જહાજોને પણ આ જ માર્ગ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢી શકાશે. ઈરાને કેટલાક મિત્ર રાષ્ટ્રોને તેમના જહાજોને આ પ્રદેશમાંથી પસાર થવાની મંજૂરી આપી છે, ભારત આ દેશોમાંનો એક છે.

ભારતીય સમુદાય સાથે સતત સંપર્કમાં રહેલું મંત્રાલય
બંદરો અને શિપિંગ મંત્રાલય, વિદેશ મંત્રાલય ભારતીય મિશન અને દરિયાઈ ક્ષેત્રના અન્ય હિસ્સેદારો સાથે સતત સંકલન જાળવી રહ્યું છે જેથી જહાજોના કલ્યાણની ખાતરી કરી શકાય અને દરિયાઈ કામગીરીમાં કોઈપણ વિક્ષેપ ન આવે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય મિશન અને પોસ્ટ્સ આ ક્ષેત્રમાં રહેતા ભારતીય સમુદાય સાથે સતત સંપર્ક જાળવી રહ્યા છે. મંત્રાલય ગલ્ફ અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં વિકસતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

લગભગ 60 ટકા રસોઈ ગેસ આયાત કરે છે ભારત 
ભારત તેની રસોઈ ગેસની જરૂરિયાતોના લગભગ 60 ટકા આયાત દ્વારા પૂર્ણ કરે છે. ગયા વર્ષે દેશમાં 33.15 મિલિયન ટન LPGનો વપરાશ થયો હતો. આમાંથી લગભગ 90 ટકા ગેસ પશ્ચિમ એશિયામાંથી મેળવવામાં આવે છે. આ દરમિયાન સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે. દેશમાં ગેસ કે ઇંધણની કોઈ અછત નથી અને લોકોએ ગભરાટમાં ખરીદી કરવાનું ટાળવું જોઈએ. 

ભારતીય માછીમારો અંગે વિદેશ મંત્રી જયશંકરે શું કહ્યું?
ઈરાનમાં ફસાયેલા ભારતીય માછીમારોનું એક જૂથ આર્મેનિયા થઈને ઘરે પરત ફરી રહ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવામાં મદદ કરવા બદલ તેમના આર્મેનિયન સમકક્ષ અરારત મિર્ઝોયાનનો આભાર વ્યક્ત કર્યો છે. પશ્ચિમ એશિયા કટોકટી પર બોલતા કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, જ્યારે સંઘર્ષને કારણે કેટલીક વિક્ષેપો સર્જાયા છે, ત્યારે અમારા જહાજો કોઈપણ મુશ્કેલી વિના ભારતમાં આવી રહ્યા છે.

આ સમાચાર શેર કરો