પાકિસ્તાનમાં ફરી બબાલ, ખૈબર પખ્તૂનવાના મુખ્યમંત્રીની ધરપકડ થતા વિરોધ પ્રદર્શન; જાણો શું છે કારણ
પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના વિરોધ પ્રદર્શનને જોતા ઇસ્

પાકિસ્તાનમાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના વિરોધ પ્રદર્શનને જોતા ઇસ્લામાબાદને કન્ટેનર સિટીમાં બદલવામાં આવ્યું છે. ઇસ્લામાબાદના મુખ્ય ચાર રસ્તા, એન્ટ્રી પોઇન્ટ અને વીવીઆઇપી વિસ્તારમાં કન્ટેનર મુકીને રસ્તાને જામ કરવામાં આવ્યો છે તેમ છતા ખૈબર પખ્તૂનવાના મુખ્યમંત્રી અલી અમીન ગંદાપુર પોતાના સમર્થકો સાથે ઇસ્લામાબાદમાં ઘુસવામાં સફળ રહ્યાં છે. તે બાદ ઇસ્લામાબાદ પોલીસ અને રેન્જર્સની એક ફોર્સે કેપી હાઉસ પહોંચીને સીએમ અલી અમીન ગંદાપુરની ધરપકડ કરી છે.
ગંદાપુર વિરૂદ્ધ બિન જામીન પાત્ર ધરપકડ વોરંટ ઇશ્યૂ
ઇસ્લામાબાદની એક જિલ્લા અને સત્ર કોર્ટે ગેરકાયદેસર હથિયાર મામલે ખૈબર પખ્તૂનવાના મુખ્યમંત્રી અલી અમીન ગંદાપુર વિરૂદ્ધ બિન જામીન પાત્ર ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુબશીર હુસૈન ઝૈદીએ ગાંડાપુરના બરાકાહુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસના સંબંધમાં કોર્ટમાં હાજર ન રહેતાં આ આદેશ જારી કર્યો હતો. કોર્ટે કાયદા અમલીકરણને 12 ઓક્ટોબર સુધીમાં મુખ્ય પ્રધાનને હાજર કરવાનો નિર્દેશ આપ્યો અને સુનાવણી સ્થગિત કરી દીધી હતી.
ઇસ્લામાબાદમાં હાલત બેકાબૂ
પીટીઆઇના સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસક અથડામણના એક દિવસ બાદ શનિવારે ઇસ્લામાબાદમાં સ્થિતિ તણાવપૂર્ણ બની છે. પીટીઆઇએ નાકાબંધી અને કડક સુરક્ષા વચ્ચે લાહોરમાં પોતાનો વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં સતત બીજા દિવસે પણ જનજીવન અસ્તવ્યસ્ત રહ્યું હતું. ઇસ્લામાબાદમાં મોબાઇલ નેટવર્ક સેવા સસ્પેન્ડ કરવામાં આવી હતી અને મુખ્ય રસ્તાઓને કન્ટેનરો દ્વારા બંધ કરવામાં આવ્યા હતા.








