મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

કોણ હતા ઈરાનના રાષ્ટ્રપતિ, 'તેહરાનના કસાઈ' તરીકેની હતી ઓળખઃ અમેરિકાએ મુક્યો હતો પ્રતિબંધ

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટરમાં મોત થવાની વાત સામે આવી છે. રવિવારે ઈબ્રા

કોણ હતા ઈરાનના રાષ્ટ્રપતિ, 'તેહરાનના કસાઈ' તરીકેની હતી ઓળખઃ અમેરિકાએ મુક્યો હતો પ્રતિબંધ

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટરમાં મોત થવાની વાત સામે આવી છે. રવિવારે ઈબ્રાહિમ રઈસી અને કેટલાક ઈરાની અધિકારીઓને લઈને જઈ રહેલું હેલિકોપ્ટર એક ગ્રામીણ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જો કે બરફનું તોફાન અને ખરાબ વાતાવરણને પગલે હેલિકોપ્ટરનું લોકેશન શોધવામાં ખૂબજ મુશ્કેલી પડતા 17 કલાકની મહેનત બાદ સળગેલો કાટમાળ મળ્યો છે. એમાં સવાર કોઈ પણ વ્યક્તિ જીવિત હોવાની આશા નથી. ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અત્યાચારના આરોપોના સામો કરી રહી રહ્યા છે, તેમનો અતિ રૂઢિવાદી ઈતિહાસ રહ્યો છે.

 સૌથી શક્તિશાળી ધાર્મિક નેતા અલી ખામેનીના રાજકીય સાથી 

ઈબ્રાહિમ રઈસીએ 2021માં ચૂંટણી પછી ઈરાનના રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સમગ્ર દેશમાં તેમના રાષ્ટ્રપતિ બનવાનો વ્યાપક વિરોધ થયો હતો, કારણ કે તેમને રૂઢિચુસ્ત માનવામાં આવતા હતા અને ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ હોવાનું કહેવાય છે. જો કે, અંતે રઈસીને માત્ર 62 ટકા મત મળતાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ચાર દાયકામાં ઈરાનની ચૂંટણીમાં આ સૌથી ઓછું મતદાન હતું. રઈસીને ઈરાનના સર્વોચ્ચ નેતા અને સૌથી શક્તિશાળી ધાર્મિક નેતા અલી ખામેનીના રાજકીય સાથી અને સંભવિત અનુગામી પણ માનવામાં આવતા હતા.

ચૂંટણીમાં વિજેતા બન્યા બાદથી જ રઈસીએ ગંભિર આર્થિક સંકટ અને ઈઝરાયેલ સાથેના દેશના સંઘર્ષમાં ઐતિહાસિક વધારા દરમિયાન શાસન કરતા મધ્ય પૂર્વમાં ઈરાનનો પ્રભાવ વધારવા માટે કામ કર્યું હતું. આ કારણે ઈઝરાયેલ અને ઈરાનમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે બંને તરફથી અનેક મિસાઈલ પ્રક્ષેપણ બાદ સ્થિતિ હવે થોડી સ્થિર છે.

હિજાબ વિવાદ પણ ચર્ચાસ્પદ રહ્યો

રઈસીના શાસનકાળ દરમિયાન ઈરાનમાં હિજાબનો વિવાદ પણ ચર્ચાસ્પદ બન્યો હતો. ઈરાનના 'હિજાબ અને પવિત્રતા કાયદા'નો બળજબરીપૂર્વક અમલ એ પણ રઈસ પ્રશાસન માટે મોટી વાત હતી, જેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. આનો વિરોધ કરતી વખતે મહિલાઓ મહસા અમિની અને અર્મિતા ગેરાવંદનું મોત થયું હતું. જે બાદ સરકારનો વિરોધ ઉગ્ર બન્યો હતો અને લોકોએ હિજાબ પહેરવાની ના પાડી દીધી હતી અને તેમના વાળ પણ કાપવા માંડ્યા હતા. કથિત રીતે હિજાબ કાયદાનું ઉલ્લંઘન કર્યા બાદ કસ્ટડીમાં પોલીસની નિર્દયતાના કારણે બંને મહિલાઓનું મૃત્યુ થયું હતું.

અમેરિકાએ પ્રતિબંધ લગાવ્યો હતો

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે પણ રઈસી પર 2019 થી પ્રતિબંધ મૂક્યો હતો. હકિકતમાં ઈરાનમાં રઈસીના કાર્યકાળ દરમિયાન બાળકોને ફાંસી આપવામાં આવી હતી અને માનવાધિકારના જાણીતા વકીલોને જેલની સજા આપવામાં આવી હતી, જેના કારણે અમેરિકાએ પણ પ્રતિબંધો લગાવ્યા હતા.

રઈસી 'તેહરાનના કસાઈ' તરીકે જાણીતા હતા.

1988માં ઈરાનમાં રાજકીય વિરોધીઓને ખતમ કરવા માટે 4 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી. આ 4 સભ્યોમાં ઈબ્રાહિમ રઈસી પણ સામેલ હતા. આ સમિતિને ઈરાનમાં અનૌપચારિક રીતે 'ડેથ કમિટી' પણ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન, રાજકીય કેદીઓને ફાંસી આપવાનો સિલસિલો ચાલ્યો હતો. જેમાં એક અંદાજ મુજબ 3000થી વધુ રાજકીય વિરોધીઓને ફાંસી આપવામાં આવી હતી. માર્યા ગયેલા મોટાભાગના લોકો પીપલ્સ મુજાહેદ્દીન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈરાનના સમર્થકો હતા. આ કારણથી રઈસીને 'તેહરાનનો કસાઈ' કહેવામાં આવતા હતા. 

રઈસીનો પરિવાર 

રઈસીના લગ્ન ઈમામ અહેમદ અલામોલ્હોદાની પુત્રી જમીલેહ અલામોલ્હોદા સાથે થયા હતા. તે તેહરાનની શાહિદ બેહેશ્તી યુનિવર્સિટીમાં એસોસિયેટ પ્રોફેસર છે અને યુનિવર્સિટીની સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફંડામેન્ટલ સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટની અધ્યક્ષ છે. રઈસીને બે પુત્રીઓ અને બે પૌત્રો છે.

આ સમાચાર શેર કરો