PM Modi Israel Visit: ઈઝરાયલની સંસદમાં પીએમ મોદીએ કર્યું સંબોધન, નેતન્યાહૂએ સંસદમાં કર્યું ભવ્ય સ્વાગત

PM Modi Israel Visit: લગભગ 9 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. તેમના સમકક્ષ બેન્જામિન નેતન્યાહૂએ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી ઇઝરાયલી સંસદ, નેસેટને પણ સંબોધિત કરી. વડાપ્રધાન મોદી બુધવારે સ્થાનિક સમય મુજબ બપોરે 12:45 વાગ્યે તેમની સત્તાવાર મુલાકાતે ઇઝરાયલ પહોંચ્યા હતા.
મોદી મારા મિત્રથી વિશેષ મારા ભાઈ: નેતન્યાહૂ
ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ સંસદમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા તેમના ભરપૂર વખાણ કર્યા. નેતન્યાહૂએ કહ્યું કે, 'વડાપ્રધાન મોદી મિત્રથી વિશેષ મારા ભાઈ છે. તેમનું ઈઝરાયલ આવવું અમારા માટે ગર્વની વાત છે. ભારત અને ઈઝરાયલ વચ્ચે ગાઢ સંબંધો જગજાહેર છે. વડાપ્રધાન મોદી તમે બહાના નથી બનાવતા, તમે સાચે અમારી સાથે ઉભા છો. ભારત, ઇઝરાયલની સાથે ઉભું છે. સચ્ચાઈની સાથે ઉભું છે.' તેઓ આટલું જ બોલતા આખી સંસદે ઉભા થઈને તાળીઓ વગાડવાની શરૂ કરી દીધી.
વડાપ્રધાન મોદી નેસેટ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલી સંસદ, નેસેટ પહોંચ્યા છે, જ્યાં તેઓ સંબોધન કરવાના છે.
ઈઝરાયલી સંસદમાં વડાપ્રધાનનું તાળીઓના ગડગડાટથી સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલી સંસદ, નેસેટને સંબોધિત કરવા માટે પહોંચ્યા. સંસદમાં પહોંચ્યા બાદ તેમનું તાળીઓના ગડગડાટ અને "મોદી, મોદી!" ના નારાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું.
વડાપ્રધાન મોદી ભારતીય સમુદાયના સભ્યોને મળ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલ અવીવની એક હોટલમાં સાંસ્કૃતિક કાર્યક્રમને નીહાળ્યો હતો. તેમણે ત્યાં હાજર ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદી ઈઝરાયલની બે દિવસીય રાજ્ય મુલાકાતે છે.
વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું
ઈઝરાયલ વડાપ્રધાન નેતન્યાહૂએ પ્રોટોકોલ તોડી ઍરપોર્ટ પર પીએમ મોદીનું ગળે મળીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઍરપોર્ટ પર જ ભારતના વડાપ્રધાનને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું.
'એર ઈન્ડિયા વન'ને સૌથી વધુ ટ્રેક કરાયું
ઈઝરાયલની યાત્રા પર નીકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્લાઇટ લોકેશન દુનિયામાં સૌથી વધારે સર્ચ થઈ હતી. દુનિયાભરના વિમાનોની અવર જવર પર દેખરેખ રાખતા ઓનલાઇન પ્લેટફોર્મ ફ્લાઇટ રડાર પર સૌથી વધુ એર ઇન્ડિયા વનને ટ્રેક કરવામાં આવ્યું હતું.
શા માટે આ મુલાકાત મહત્ત્વની છે?
છેલ્લા 9 વર્ષમાં પીએમ મોદીની આ બીજી મુલાકાત છે. વર્ષ 2017માં તેમની મુલાકાત બાદ ભારત અને ઈઝરાયલના સંબંધો 'વ્યૂહાત્મક ભાગીદારી'માં ફેરવાયા હતા. જોકે, વર્તમાન યુદ્ધની સ્થિતિ વચ્ચે આ મુલાકાત રાજકીય રીતે ખૂબ જ મહત્ત્વની છે.
ઈઝરાયલ પ્રવાસનો કાર્યક્રમ
-પીએમ મોદી ઈઝરાયલની સંસદ 'નેસેટ'ને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બનશે
-ઈઝરાયલની અત્યાધુનિક ટૅક્નોલૉજી અને ઇનોવેશનના પ્રદર્શનની સંભવિત મુલાકાત
-રાત્રે પીએમ નેતન્યાહૂ વડાપ્રધાન મોદીના સન્માનમાં ખાસ રાત્રિ ભોજનનું આયોજન
-વિશ્વના સૌથી મોટા હોલોકોસ્ટ મેમોરિયલ સેન્ટર(યહૂદી નરસંહાર સ્મારક) જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
-પીએમ મોદી અને નેતન્યાહૂની બેઠક બાદ સંયુક્ત નિવેદન
-ભારત અને ઈઝરાયલ વચ્ચે સંરક્ષણ, કૃષિ, પાણી વ્યવસ્થાપન અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રોમાં મહત્ત્વના એમઓયુ(MoU) પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
-આવતીકાલે ગુરુવારે બપોર બાદ દિલ્હી પરત આવવા રવાના થશે.

