ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઇલ છોડી, અમેરિકા-જાપાન-દક્ષિણ કોરિયાના એક્શન વચ્ચે ફરી તણાવ

ઉત્તર કોરિયાએ રવિવારે કોરિયન દ્વીપકલ્પના પૂર્વમાં સમુદ્ર તરફ એક બેલેસ્ટિક મિસાઇલ (Ballistic Missile) લોન્ચ કરી હતી. જાપાનના રક્ષા મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી. દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રાલયે પણ લોન્ચની પુષ્ટિ કરી હતી. જાપાનની સરકારી મીડિયા એજન્સી NHK અનુસાર, મિસાઇલ જાપાનના વિશેષ આર્થિક ક્ષેત્ર (Exclusive Economic Zone)ની બહાર જઈને સમુદ્રમાં પડી હતી.
ઉત્તર કોરિયાના મિસાઇલ પરીક્ષણથી તણાવ વધ્યો
મિસાઇલ લોન્ચની ઘટના એવા સમયે બની છે જ્યારે કોરિયન દ્વીપકલ્પમાં અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસને લઈને ઉત્તર કોરિયા સતત વિરોધ નોંધાવી રહ્યું છે. ઉત્તર કોરિયાએ અગાઉ પણ આવા સૈન્ય અભ્યાસોને પોતાના સુરક્ષા હિતો માટે જોખમી ગણાવ્યા હતા.
દક્ષિણ કોરિયાએ બોલાવી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક
મિસાઇલ લોન્ચના સમાચાર મળ્યા બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયે રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC)ની બેઠક બોલાવી હતી. દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના આ પરીક્ષણની નિંદા કરી અને પ્યોંગયાંગને તાત્કાલિક મિસાઇલ સંબંધિત પ્રવૃત્તિઓ રોકવાની અપીલ કરી હતી.
એક સપ્તાહમાં ઉત્તર કોરિયાનું બીજું મિસાઇલ પરીક્ષણ
અહેવાલ અનુસાર, ઉત્તર કોરિયાએ વોન્સાન વિસ્તારમાંથી પૂર્વી સમુદ્ર તરફ ઓછા અંતરની બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી. આ લગભગ એક સપ્તાહમાં ઉત્તર કોરિયાનું બીજું મિસાઇલ પરીક્ષણ હોવાનું જણાવાયું છે. અગાઉ 12 સપ્ટેમ્બરે પણ મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અમેરિકા-દક્ષિણ કોરિયા-જાપાનના નૌસૈનિક અભ્યાસનો વિરોધ
આ પરીક્ષણના એક દિવસ પહેલાં ઉત્તર કોરિયાએ પોતાના પરમાણુ કાર્યક્રમ અંગે સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિરીક્ષણ સંગઠનના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. આ ઉપરાંત ઉત્તર કોરિયાએ અમેરિકાની આગેવાની હેઠળ યોજાયેલા નૌસૈનિક અભ્યાસની પણ ટીકા કરી હતી. આ અભ્યાસમાં દક્ષિણ કોરિયા અને જાપાન પણ સામેલ હતા અને તે 29 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુઆમ નજીક યોજાયો હતો.
કિમ જોંગ ઉનની બહેને અમેરિકાને ઘેર્યું
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે પણ અમેરિકાની આગેવાની હેઠળના સૈન્ય અભ્યાસોની ટીકા કરી હતી. તેમના જણાવ્યા મુજબ, આવા અભ્યાસોને કારણે કોરિયન દ્વીપકલ્પમાં તણાવ સતત વધી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઉત્તર કોરિયા પોતાના પરમાણુ હથિયારોને મજબૂત કરવાની નીતિમાં કોઈ ફેરફાર નહીં કરે.
સંયુક્ત રાષ્ટ્રના ઠરાવનો ભંગ હોવાનો દક્ષિણ કોરિયાનો દાવો
દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે જણાવ્યું કે ઉત્તર કોરિયાનું મિસાઇલ પરીક્ષણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું ઉલ્લંઘન છે. દક્ષિણ કોરિયાએ પ્યોંગયાંગને ઉશ્કેરણીજનક મિસાઇલ પ્રવૃત્તિઓ બંધ કરવા અને પ્રાદેશિક તણાવ ઘટાડવા માટે પગલાં લેવાની અપીલ કરી છે.
કોરિયન દ્વીપકલ્પ પર દુનિયાની નજર
ઉત્તર કોરિયાના વારંવાર થતા મિસાઇલ પરીક્ષણો અને અમેરિકા, દક્ષિણ કોરિયા તથા જાપાનના સંયુક્ત સૈન્ય અભ્યાસને કારણે આ વિસ્તારમાં તણાવ યથાવત છે. નવી મિસાઇલ લોન્ચ બાદ ત્રણેય દેશોની સુરક્ષા વ્યવસ્થા અને ઉત્તર કોરિયાની આગામી ગતિવિધિઓ પર નજર વધુ તેજ બની છે.

