કોણ છે મોહમ્મદ મોખબર? જે બની શકે છે ઇરાનના રાષ્ટ્રપતિ
હેલિકોપ્ટર દૂર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના મોત બાદ રાષ્ટ્રપતિ કોણ બનશે તેને લઇને ચર્ચા શરૂ થ

હેલિકોપ્ટર દૂર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના મોત બાદ રાષ્ટ્રપતિ કોણ બનશે તેને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. ઇરાનના બંધારણની કલમ 131 કહે છે કે જો રાષ્ટ્રપતિનું તેમના કાર્યકાળ દરમિયાન નિધન થઇ જાય તો પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અસ્થાયી રાષ્ટ્રપતિનું પદ ગ્રહણ કરે છે, જે સર્વોચ્ચ નેતાની પૃષ્ટીના આધીન છે.
વર્તમાનમાં મોહમ્મદ મોખબર ઇરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે. ઇરાની બંધારણ અનુસાર તે ઇબ્રાહિમ રઇસીના ઉત્તરાધિકારી હશે પરંતુ તેમના રાષ્ટ્રપતિ પદ પર નિયુક્તિ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઇની મંજૂરી પર નિર્ભર કરશે. પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, સંસદ અધ્યક્ષ અને ન્યાયપાલિકા પ્રમુખની એક પરિષદે વધુમાં વધુ 50 દિવસના સમયની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી યોજવી પડે છે. 1 સપ્ટેમ્બર, 1955માં જન્મેલા મોખબરને રઇસીની જેમ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઇના નજીક ગણવામાં આવે છે.
સર્વોચ્ચ નેતાની નજીક છે મોખબર
ઇબ્રાહિમ રઇસીના 2021માં ઇરાનના રાષ્ટ્રપતિ ચૂંટાયા બાદ મોહમ્મદ મોખબર પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. મોખબર ઇરાની અધિકારીઓની તે ટીમનો ભાગ હતા, જેમને ગત વર્ષે ઓક્ટોબરમાં મોસ્કોનો પ્રવાસ કર્યો હતો અને રશિયાની સેનાને મિસાઇલો અને ડ્રોનનો પુરવઠો પુરો પાડવા પર સહમતિ વ્યક્ત કરી હતી. તે ટીમમાં ઇરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સના બે સીનિયર અધિકારી અને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના એક અધિકારી પણ સામેલ હતા. મોખબરે ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઇ સાથે જોડાયેલા એક ઇન્વેસ્ટમેન્ટ ફંડ 'સેટાડ'નું નેતૃત્વ પણ કર્યું છે.
પરમાણુ અને બેલેસ્ટિક મિસાઇલ ગતિવિધિમાં કથિત સામેલ થવા પર 2010માં યુરોપીય સંઘે મોહમ્મદ મોખબર પર પ્રતિબંધ મુક્યો હતો. અમેરિકન ટ્રેજરી વિભાગે 2013માં સેટાડ અને તેની દેખરેખ કરતી 37 કંપનીઓ પર પ્રતિબંધ મુક્યો હતો.
સર્વોચ્ચ નેતા જ ઇરાનના અંતિમ શાસક
પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબરની તંત્ર પર સારી પકડ છે. તે વર્તમાનમાં એક્સપીડિઅન્સી ડિસ્કર્નમેન્ટ કાઉન્સિલના સભ્ય પણ છે. આ પહેલા તે સિના બેન્કમાં બોર્ડના અધ્યક્ષ અને ખુજેસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર રહી ચુક્યા છે, તેમના પાસે ડૉક્ટરેટની બે ડિગ્રી છે. જોકે, અયાતુલ્લા અલી ખામેનેઇની મંજૂરી બાદ જ રાષ્ટ્રપતિ પદ પર તેમની નિયુક્તિનો રસ્તો સાફ થશે. ઇરાનમાં સર્વોચ્ચ નેતા 1979ની ઇસ્લામી ક્રાંતિ બાદ સ્થાપિત એક પદ છે, જેને શિયા ઇસ્લામી ધર્મશાસ્ત્રમાં વેલાયત-એ-ફકીહના નામથી પણ ઓળખવામાં આવે છે. સર્વોચ્ચ નેતા જ ઇરાનમાં અંતિમ શાસક છે અને દેશ સાથે સંબંધિત તમામ મુખ્ય નિર્ણય લેવા માટે જવાબદાર હોય છે. ઇરાનમાં સર્વોચ્ચ નેતા જ હેડ ઓફ સ્ટેટ અને કમાન્ડર ઇન ચીફ હોય છે.








