યમનમાં મોટો સૈન્ય ફેરફાર: બાબ અલ-મંદેબ નજીકથી સરકારી દળો હટ્યાં, હુથી બળવાખોરોનો કબજો મજબૂત

મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે યમનમાં મોટો સૈન્ય ફેરફાર થયો છે. સાઉદી અરેબિયાના સમર્થનવાળી યમનની આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સરકારનાં દળોએ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ બાબ અલ-મંદેબ (Bab el-Mandeb) સામુદ્રધુની નજીકના વિસ્તારમાંથી પીછેહઠ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ઈરાન સમર્થિત હુથી બળવાખોરોનો આ વિસ્તારમાં પ્રભાવ વધ્યો છે. વિશ્વના મહત્ત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાં સામેલ આ સામુદ્રધુની પર હુથીઓની પકડ મજબૂત થવાથી વૈશ્વિક શિપિંગ અને તેલ પરિવહન પર દબાણ વધી શકે છે.
એડનને સુરક્ષિત કરવા દળોની પીછેહઠ
દક્ષિણ યમનનાં સરકારી દળોએ રવિવારે નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે તેઓ તાઈઝ પ્રાંતના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ધુબાબ એરપોર્ટ અને બાબ અલ-મંદેબ વિસ્તારથી પોતાની ટુકડીઓ પાછી ખસેડી રહ્યા છે. આ દળો હવે સરકારનું મુખ્ય મથક ગણાતા એડન તરફ ફરી તહેનાત થશે. દળોના જણાવ્યા અનુસાર, આ નિર્ણયનો હેતુ એડન અને આસપાસના પ્રાંતોની સુરક્ષાને પ્રાથમિકતા આપવાનો, મોરચાઓને વધુ મજબૂત કરવાનો અને વર્તમાન જોખમોનો સામનો કરવાનો છે.
હુથીઓ માટે વ્યૂહાત્મક ફાયદો
હુથી બળવાખોરો યમનના મોટા ભાગના ઉત્તરીય વિસ્તારો, રાજધાની સના અને સૌથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે. હવે દક્ષિણ તરફ પણ તેમનું દબાણ વધી રહ્યું છે. સપ્ટેમ્બરમાં હુથીઓએ યમનના સમગ્ર લાલ સમુદ્રના દરિયાકાંઠા પર કબજો મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. તેના જવાબમાં સરકારી દળોએ ઓક્ટોબરમાં વ્યૂહાત્મક દરિયાકાંઠાના વિસ્તારો ફરી કબજે કરવા લશ્કરી અભિયાન શરૂ કર્યું હતું. જોકે, તાજેતરની પીછેહઠથી બાબ અલ-મંદેબ નજીક હુથીઓની સ્થિતિ મજબૂત થઈ છે. આ સામુદ્રધુની પર તેમનો પ્રભાવ વધવાથી આંતરરાષ્ટ્રીય વેપાર જહાજો માટે જોખમ ઊભું થઈ શકે છે.
વૈશ્વિક વેપાર માટે કેમ મહત્ત્વપૂર્ણ છે બાબ અલ-મંદેબ?
બાબ અલ-મંદેબ લાલ સમુદ્રને એડનના અખાત અને અરબી સમુદ્ર સાથે જોડતો મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. એશિયાથી યુરોપ જતાં માલવાહક જહાજો માટે આ માર્ગ અત્યંત મહત્ત્વનો છે. મોટા ભાગનાં જહાજો આ માર્ગે થઈને ઇજિપ્તની સુએઝ કેનાલ (Suez Canal) સુધી પહોંચે છે. બીજી તરફ, અરબી દ્વીપકલ્પની પૂર્વ બાજુએ આવેલા હોર્મુઝ સામુદ્રધુની (Strait of Hormuz)માં ઈરાન દ્વારા જહાજોની અવરજવર ખોરવાઈ રહી છે. આવી સ્થિતિમાં બાબ અલ-મંદેબ પર પણ હુથીઓનો પ્રભાવ વધે તો ખાડી દેશોના તેલ ઉત્પાદકો માટે તેમના મુખ્ય દરિયાઈ નિકાસ માર્ગો પર દબાણ વધી શકે છે.
સાઉદી અરેબિયા પર હુથી હુમલાઓથી તણાવ વધ્યો
યમનમાં વધતી હિંસા 2022માં સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થીથી થયેલા યુદ્ધવિરામ બાદ ફરી શરૂ થયેલા સંઘર્ષનો ભાગ છે. ઈરાન સામે ચાલી રહેલા અમેરિકા-ઇઝરાયેલના વ્યાપક યુદ્ધ વચ્ચે હુથીઓએ સાઉદી અરેબિયા પર પણ હુમલાઓ વધાર્યા છે. સાઉદી અરેબિયા વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ નિકાસકાર દેશ છે અને અમેરિકાનો મહત્ત્વપૂર્ણ સાથી છે. હુથી હુમલાઓને કારણે સાઉદી અરેબિયામાં હવાઈ સેવાઓ અને તેલ પુરવઠા પર અસર પડી છે. હુથીઓએ સાઉદી બંદરો, એરપોર્ટ અને સરકારી તેલ કંપની સાઉદી અરામકો (Saudi Aramco)નાં મથકોને નિશાન બનાવ્યાં છે. તેમાં લાલ સમુદ્રના કિનારે આવેલું યાનબુ તેલ નિકાસ કેન્દ્ર પણ સામેલ છે. જવાબમાં સાઉદી અરેબિયાએ યમનમાં હુથી ઠેકાણાં પર હુમલા કર્યા છે.
તાઈઝમાં માનવીય સંકટ વધુ ગંભીર
યમનમાં 2014થી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. તાજેતરની લડાઈને કારણે પશ્ચિમ યમનના તાઈઝ વિસ્તારમાં સ્થિતિ વધુ વણસી છે. અહીં અંદાજે ત્રણ લાખ લોકો તાજેતરના સંઘર્ષને કારણે વિસ્થાપિત થયા છે, જેમાંથી લગભગ અડધા લોકો તાઈઝ શહેરમાં છે. શહેરની ઘેરાબંધીને કારણે રાહત સામગ્રી અંદર પહોંચી શકતી નથી અને નાગરિકો પણ બહાર નીકળી શકતા નથી. આમ, બાબ અલ-મંદેબ નજીકનું સૈન્ય સમીકરણ બદલાવાની સાથે યમનમાં માનવીય સંકટ પણ વધુ ઘેરું બની રહ્યું છે.








