ઇઝરાયેલના પ્રમુખે નેતન્યાહુની હારના સત્તાવાર પરિણામ સ્વીકાર્યા, નવી સરકાર બનશે

ઇઝરાયેલના ચૂંટણી પરિણામો સત્તાવાર રીતે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. જેને પગલે ઇઝરાયેલના પ્રમુખ ઇસાક હરઝોગે આ પરિણામોનો સ્વીકાર કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે ટૂૂંક સમયમાં અમે નવી સરકાર રચવા મુદ્દે વિવિધ પક્ષોના પ્રતિનિધિઓ સાથે વાતચીત શરૂ કરીશું. કોઇને પણ બહુમત ના મળતા ઇઝરાયેલનું કોંકડુ ગૂંચવાયું છે.તાજેતરમાં જ ઇઝરાયેલમાં ચૂંટણી યોજાઇ હતી, જેના પરિણામો જાહેર થયા હતા. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુનો પક્ષ કે પછી તેમના મુખ્ય પ્રતિદ્વંદી અને પૂર્વ સૈન્ય વડા ગેડી એસેનકોટ કોઇને પણ બહુમત નથી મળી. જે પણ પરિણામો જાહેર થયા હતા તેને હવે ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર મહોર મારવામાં આવી છે. આ સત્તાવાર ચૂંટણી પરિણામોનો હવે ઇઝરાયેલના રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો હતો. તેઓ ટૂંક સમયમાં હવે પક્ષો પાસેથી સરકાર રચવા મુદ્દે જવાબ લેશે.
આ પહેલા ઇઝરાયેલના ચૂંટણી પંચે કહ્યું હતું કે આ ચૂંટણીમાં કોઇ પણ પ્રકારની છેતરપિંડી નથી થઇ, આ ચૂંટણીમાં અરબ પાર્ટી એટલે કે ત્રીજો પક્ષ કિંગ મેકર સાબીત થયો છે. જ્યારે નેતન્યાહુ અને તેમના સમર્થકો દાવો કરતા રહ્યા છે કે અરબ પાર્ટીએ જ આ ચૂંટણીને ઝૂંટવી લીધી છે. પરિણામો પરથી સાબિત થાય છે કે નેતન્યાહુનો ધાર્મિક અને રાષ્ટ્રવાદી બ્લોક સંસદીય બહુમત ગુમાવી ચુક્યો છે જ્યારે અરબ પાર્ટીઓએ મહત્વપૂર્ણ જીત મેળવી છે. હવે જ્યારે સત્તાવાર ચૂંટણી પરીણામોનો પ્રમુખે સ્વીકાર કરી લીધો છે ત્યારે તેઓ તમામ પક્ષો સાથે વાટાઘાટો શરૂ કરશે. એવામાં નેતન્યાહુના પ્રતિદ્વંદી ગાદી આઇઝેનકોટનો પક્ષ તેમજ અરબ પાર્ટી મળીને ગઠબંધનવાળી સરકાર બનાવી શકે છે.




