ફ્લાય દુબઈ કોકપિટ હુમલા બાદ ઈઝરાયલનો મોટો નિર્ણય: તમામ ફ્લાઈટ્સના પાયલટ્સનું થશે કડક બેકગ્રાઉન્ડ વેરિફિકેશન

ફ્લાય દુબઈની ફ્લાઇટના કોકપિટમાં કો-પાયલટ દ્વારા પાયલટ પર કરાયેલા હુમલાની ઘટના બાદ ઈઝરાયલ સરકારે સુરક્ષા વ્યવસ્થાને લઈને અત્યંત કડક નિર્ણય લીધો છે. દેશમાં પ્રવેશતી દરેક ફ્લાઇટના પાયલટની ઓળખ ચકાસવામાં આવશે અને તેમની સુરક્ષા સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે. ઈઝરાયલ અને વિદેશી બંને એરલાઇન્સ માટે ફ્લાઇટ્સ પર સુરક્ષા વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
અહેવાલો અનુસાર, સંયુક્ત આરબ અમીરાત (UAE)થી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં કો-પાયલટે અચાનક પાયલટ પર છરી વડે હુમલો કરી વિમાનને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ વિમાનમાં 174 મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગના ઈઝરાયલી નાગરિકો હતા. ઘટના બાદ ફ્લાઇટને સાઉદી અરેબિયાના તાબુક તરફ વાળીને સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. મુસાફરો અને અન્ય ક્રૂ મેમ્બર્સની મદદથી હુમલાખોર કો-પાયલટ પર કાબૂ મેળવાયો હતો.
વડાપ્રધાન નેતન્યાહૂએ ભારતીય કેપ્ટન સ્મિત મછારની બહાદુરીને બિરદાવી
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મછારની અસાધારણ બહાદુરીને સલામી આપી હતી. તેમણે લખ્યું કે, 'છરી વાગવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં તેણે સામી છાતીએ સામનો કર્યો, પ્રતિકાર કર્યો અને કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરો તથા ક્રૂ મેમ્બર્સને હુમલાખોર પર કાબૂ મેળવવામાં મદદ કરી.'
નેતન્યાહૂએ વધુમાં ઉમેર્યું હતું કે, 'કેપ્ટન મચ્છરના આ સાહસને કારણે જ ઈઝરાયલી નાગરિકો સહિત તમામ 174 મુસાફરોના જીવ બચ્યા છે. તેઓ એક સાચા હીરો છે અને તેઓ ઝડપથી સાજા થઈ જાય તેવી કામના છે.'
સુરક્ષા તપાસ વધુ કડક કરાશે
ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તા ડોરોન સ્પીલમેને જણાવ્યું હતું કે, 'હવેથી ઈઝરાયલમાં આવનારી દરેક ફ્લાઇટના પાયલટની ઓળખ કડક સુરક્ષા તપાસ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય.'

