પાર્ટનરના મૃત્યુના દોઢ વર્ષ બાદ તેના બાળકની માતા બની ઇઝરાયલી મહિલા, જાણો આ કઈ રીતે શક્ય બન્યું
35 વર્ષીય ઇઝરાયલી મહિલા ડો. હદાસ લેવીએ તેના પાર્ટનરના મૃત્યુના લગભગ દોઢ વર્ષ પછી તેના પુત્રને જન્મ આ

35 વર્ષીય ઇઝરાયલી મહિલા ડો. હદાસ લેવીએ તેના પાર્ટનરના મૃત્યુના લગભગ દોઢ વર્ષ પછી તેના પુત્રને જન્મ આપ્યો છે. આ વાત ચોંકાવનારી લાગે છે, પરંતુ તે સંપૂર્ણપણે સાચી છે. દુનિયા ટેકનોલોજીમાં ઘણી આગળ વધી ગઈ છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, આ ઇઝરાયલી મહિલા તેના પાર્ટનરના મૃત્યુ પછી તેના બાળકને જન્મ આપી શકી. 11 જૂન, 2025ના રોજ ડો. હદાસ લેવીએ એક પુત્રને જન્મ આપ્યો. આ પુત્ર હદાસના મંગેતર કેપ્ટન નેતનલ સિલબર્ગનો છે, જે ડિસેમ્બર 2023માં ગાઝામાં શહીદ થયો હતો. બાળકને પોસ્ટમોર્ટમ સ્પર્મ રિટ્રીવલ (Postmortem Sperm Retrieval) તકનીક દ્વારા જન્મ આપવામાં આવ્યો છે. અહીં જાણો આ તકનીક શું છે અને તેની પ્રોસીજર શું છે.
PSR શું છે?
PSR એટલે કે પોસ્ટમોર્ટમ સ્પર્મ રિટ્રીવલમાં, મૃત્યુ પછી મૃત પુરૂષના શરીરમાંથી સ્પર્મ કાઢવામાં આવે છે અને સ્ટોર કરવામાં આવે છે. આ સ્પર્મનો ઉપયોગ પુરૂષના પાર્ટનર દ્વારા તેના જીવન દરમ્યાન ગમે ત્યારે કરી શકાય છે. ફ્રીઝિંગ પહેલાં, સ્પર્મનું પરીક્ષણ કરવામાં આવે છે અને પછી સ્ટોર કરીને રાખવામાં આવે છે. ડોક્ટર સામાન્ય રીતે સોય વડે ટેસ્ટીકલ્સમાંથી સ્પર્મવાળું ફ્લુઇડ કાઢે છે, સધ્ધર સ્પર્મને ફ્રીઝ કરે છે અને અંતે IVF તકનીક દ્વારા ગર્ભધારણ માટે તેનો ઉપયોગ કરે છે.
મૃત્યુ પછી કેટલા સમયમાં સ્પર્મ મેળવી શકાય છે?
મૃત્યુના 24થી 36 કલાકની અંદર મૃતકના શરીરમાંથી સ્પર્મ કાઢવા જરૂરી હોય છે. આ પછી, સ્પર્મની સધ્ધરતા દર કલાકે 2 ટકા ઘટે છે. તેથી, સ્પર્મ કાઢવાનું કામ ઝડપથી કરવું જરૂરી છે. હમાસના હુમલા પછી, 250 મૃત ઇઝરાયલી સૈનિકોના સ્પર્મ કાઢવામાં આવ્યા હતા અને સ્ટોર કરવામાં આવ્યા હતા. આમાંથી, 193 સૈનિકોના માતા-પિતા હતા, જેઓ સ્પર્મ મેળવવા માંગતા હતા. વધુમાં, 21 નાગરિકોના સ્પર્મ પણ રિટ્રીવ કરવામાં આવ્યા હતા.
શું સ્પર્મ રિટ્રીવ કરવા લીગલ છે?
ઇઝરાયલમાં યુદ્ધ પહેલા મૃત વ્યક્તિના સ્પર્મ રિટ્રીવ કરતા પહેલા કોર્ટની પરવાનગી જરૂરી હતી. જોકે, યુદ્ધ પછી, સમય બચાવવા માટે પ્રક્રિયાને અસ્થાયી રૂપે સરળ બનાવવામાં આવી હતી. ભારતમાં પણ PSR લીગલ છે, પરંતુ કોર્ટની મંજૂરીની જરૂર છે. કોર્ટને મૃત વ્યક્તિની સંમતિનો પુરાવો પણ બતાવવો જરૂરી છે, જેમાં જણાવવામાં આવ્યું હોય કે તે તેના મૃત્યુ પહેલા ઈચ્છતા હતા કે તેના સ્પર્મનો ઉપયોગ કરવામાં આવે. જોકે, ભારતમાં, અપરિણીત પુરૂષના મૃત્યુ પછી તેના સ્પર્મનો ઉપયોગ નથી કરી શકાતો.






