હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવા ઇઝરાયેલનું ભારત પર દબાણ, PoKની ઘટનાને લઈને વ્યક્ત કરી ચિંતા
ઈઝરાયલે હમાસ અંગે ભારત પાસે માગ કરી છે. તેણે માગ એ છે કે ભારતે હમાસ

ઈઝરાયલે હમાસ અંગે ભારત પાસે માગ કરી છે. તેણે માગ એ છે કે ભારતે હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરવું જોઈએ. આ માટે ઈઝરાયલ ભારત પર પણ દબાણ લાવી રહ્યું છે. તેણે તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં કાશ્મીર એકતા દિવસ નિમિત્તે હમાસની હાજરીને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
પીઓકેમાં હમાસના નેતાઓ
અહેવાલ અનુસાર, હમાસના નેતાઓ POKની મુલાકાતે ગયા અને તે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના સભ્યો સાથે જોવા મળ્યા હતા. ઈઝરાયલે આ મુદ્દા પર ભારત સાથે ચર્ચા કરી છે.
હમાસને લઈને ભારતનું વલણ
ભારતે હંમેશા આતંકવાદના મુદ્દા પર ઈઝરાયલનું સમર્થન કર્યું છે. ભારતે સાતમી ઓક્ટોબર 2023ના રોજ ઈઝરાયલ પર થયેલા હુમલાની પણ કડક નિંદા કરી હતી, જોકે ભારત દ્વારા હમાસને હજુ સુધી સત્તાવાર રીતે આતંકી સંગઠન તરીકે પ્રતિબંધિત કરવામાં આવ્યો નથી. યુરોપિયન યુનિયન (EU) અને અમેરિકા સહિત ઘણાં દેશોએ પહેલાથી જ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં ઈઝરાયલે 2008ના મુંબઈ હુમલા માટે જવાબદાર પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા પર પ્રતિબંધ મૂક્યો. આ ઉપરાંત ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને આશા વ્યક્ત કરી હતી કે ભારત પણ હમાસ પર પ્રતિબંધ મૂકશે. હમાસ પર ભારત દ્વારા પ્રતિબંધ અંગે ભારતીય સંસદમાં ઘણી વખત પ્રશ્નો ઊઠાવવામાં આવ્યા છે.








