VIDEO/ ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: 'અમારી સાથે રમત ન રમતા', ઈસ્લામાબાદમાં બેઠક પહેલા જેડી વેન્સની ઈરાનને કડક ચેતવણી

ઈસ્લામાબાદ: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષને ડામવા માટે આજે

ઈસ્લામાબાદ: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષને ડામવા માટે આજે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ શાંતિ વાર્તા યોજાવા જઈ રહી છે. જોકે, આ બેઠક શરૂ થાય તે પહેલા જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાનને આકરા શબ્દોમાં ચેતવણી આપીને વાતાવરણ ગરમ કરી દીધું છે. વેન્સે સ્પષ્ટ કહ્યું છે કે, "અમેરિકા સાથે કોઈ રમત રમવાની કોશિશ ન કરતા."

જેડી વેન્સ પાકિસ્તાન રવાના

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશ્વાસુ જેડી વેન્સને આ મિશન સોંપ્યું છે. જેડી વેન્સ શુક્રવારે પાકિસ્તાન જવા રવાના થયા હતા. રવાના થતા પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, "જો ઈરાની પક્ષ શુદ્ધ ભાવનાથી વાતચીત કરવા તૈયાર હશે, તો અમે તેમનું ખુલ્લા  દિલથી સ્વાગત કરીશું. પરંતુ જો તેઓ અમને છેતરવાની કે અમારી સાથે રમત રમવાની કોશિશ કરશે, તો તેમને સમજાઈ જશે કે આ વાર્તાકાર ટીમ બહુ નરમ નથી."

જાહેરાત

ટ્રમ્પની ધમકી વચ્ચે મધ્યસ્થી

નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ઈરાનની "સમગ્ર સંસ્કૃતિ" ને નષ્ટ કરવાની ચોંકાવનારી ધમકી આપી હતી. આ ભયાનક યુદ્ધને રોકવા અને મધ્ય પૂર્વમાં સ્થિરતા લાવવા માટે વેન્સ, ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરની ટીમ ઈસ્લામાબાદ પહોંચી રહી છે. આ વાર્તા એવા સમયે થઈ રહી છે જ્યારે કામચલાઉ યુદ્ધવિરામ તૂટવાની અણી પર છે.

ઈરાનની શરતો અને મક્કમ વલણ

બીજી તરફ, ઈરાને પણ પોતાનું વલણ કડક રાખ્યું છે. ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બઘેર કાલીબાફ પહેલાથી જ વરિષ્ઠ અધિકારીઓ સાથે ઈસ્લામાબાદ પહોંચી ગયા છે. તેમણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે: લેબનાનમાં યુદ્ધવિરામ (જ્યાં ઈઝરાયેલ હિઝબુલ્લાહ પર હુમલો કરી રહ્યું છે) તુરંત થવો જોઈએ. અવરોધિત કરવામાં આવેલી ઈરાની સંપત્તિઓને મુક્ત કરવી જોઈએ. કાલીબાફે કહ્યું કે આ શરતો "વાર્તા શરૂ થાય તે પહેલા" પૂરી થવી જોઈએ.

કોણ કોણ છે આ હાઈ-લેવલ બેઠકમાં?

આ ઐતિહાસિક બેઠક માટે ઈસ્લામાબાદ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે આને "નિર્ણાયક ક્ષણ" ગણાવી છે.

  • અમેરિકા તરફથી: જેડી વેન્સ, સ્ટીવ વિટકોફ, જેરેડ કુશનર.

  • ઈરાન તરફથી: વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી, સુરક્ષા પરિષદના સચિવ અલી અકબર અહમદીન, સેન્ટ્રલ બેંકના ગવર્નર અને સાંસદો.

  • યજમાન: પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડાર.

વિશ્વની નજર ઈસ્લામાબાદ પર

જો આ વાર્તા સફળ રહેશે તો મધ્ય પૂર્વમાં યુદ્ધ વિરામ થઈ શકે છે, પરંતુ જો જેડી વેન્સની ચેતવણી અને ઈરાનની શરતો વચ્ચે ગજગ્રાહ વધશે, તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. અમેરિકામાં પણ ટ્રમ્પ પર આ સંઘર્ષ જલ્દી ખતમ કરવાનું આર્થિક અને રાજકીય દબાણ વધી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત