મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારતની નવી રણનીતિ; અમેરિકા પાસેથી LPG-LNGની રેકોર્ડ ખરીદી

ઓગસ્ટ 2026 દરમિયાન ભારતની ઊર્જા આયાતના આંકડાઓમાં એક અગત્યનો અને રસપ્રદ વ્યૂહાત્મક બદલાવ જોવા મળ્યો છે. પશ્ચિમી દેશોના કડક પ્રતિબંધો અને વૈશ્વિક દબાણ હોવા છતાં, ભારતીય રિફાઇનરીઓ માટે રશિયા ક્રૂડ ઓઇલની સપ્લાય કરનારો સૌથી મોટો દેશ બની રહ્યો છે. જોકે, ચીન દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી અને રશિયા તરફથી મળતા ડિસ્કાઉન્ટમાં ઘટાડો થવાને કારણે, આ મહિને ભારતની કુલ રશિયન ઓઇલ આયાતમાં સામાન્ય ઘટાડો ચોક્કસપણે નોંધાયો છે.
ભારત, તૂર્કીયે અને મોરક્કો દ્વારા રશિયાને પેટ્રોલ-ડીઝલની નિકાસ
બીજી તરફ, યુક્રેનના હુમલાઓના કારણે રશિયાની ઘરઆંગણાની રિફાઇનરીઓને મોટું નુકસાન પહોંચ્યું છે. આ સ્થિતિના કારણે એક અનોખી વેપારી ઘટના સામે આવી છે, જેમાં ભારત, તૂર્કીયે અને મોરક્કો સાથે મળીને રશિયાને જ પેટ્રોલ (ગેસોલીન) અને ડીઝલની નિકાસ કરનારા પ્રમુખ દેશોમાં સામેલ થઈ ગયું છે.
અમેરિકા બન્યો ભારતનો સૌથી મોટો ગેસ સપ્લાયર
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવ અને હોર્મુજ સ્ટ્રેટમાં જહાજોની અવરજવરમાં આવી રહેલી અડચણો વચ્ચે ભારતે પોતાની ગેસ આયાત વ્યૂહનીતિમાં ફેરફાર કર્યા છે. આ કારણે હવે અમેરિકા ભારતને LPG અને LNG સપ્લાય કરનારો સૌથી મોટો ભાગીદાર બનીને ઉભર્યો છે. ઓગસ્ટ મહિના દરમિયાન ભારત દ્વારા આયાત કરવામાં આવેલી કુલ 11 લાખ (1.1 મિલિયન) ટન એલપીજીમાંથી એકલા અમેરિકાનો હિસ્સો જ લગભગ 51 ટકા (0.6 મિલિયન ટન) રહ્યો હતો. અખાતી દેશો પર નિર્ભરતા ઘટતા અમેરિકા બાદ સંયુક્ત અરબ એમિરેટ્સ(UAE) અને અલ્જીરિયા અનુક્રમે 0.1 મિલિયન ટન સાથે અન્ય મુખ્ય સપ્લાયર રહ્યા હતા.
LNG માર્કેટમાં પણ અમેરિકન ગેસનો દબદબો
આ જ રીતે, ભારતના LNG માર્કેટમાં પણ અમેરિકન ગેસનું વર્ચસ્વ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. ઓગસ્ટ દરમિયાન ભારત દ્વારા આયાત કરવામાં આવેલા કુલ 2.2 મિલિયન ટન LNGમાંથી એકલા અમેરિકાએ જ 38 ટકા એટલે કે 0.8 મિલિયન ટનની સપ્લાય કરી હતી. અમેરિકન LNG બાદ ભારતે ઓમાન પાસેથી 0.5 મિલિયન ટન અને નાઇજીરિયા પાસેથી 0.4 મિલિયન ટન LNGની ખરીદી કરી હતી.
લાંબા સમુદ્રી માર્ગોના કારણે ભાડું અને આયાત ખર્ચ વધ્યો
ઊર્જા નિષ્ણાતોનું માનવું છે કે ભારતે પોતાની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અખાતી દેશોથી અલગ થઈને અમેરિકા અને આફ્રિકા જેવા દૂરના દેશોમાંથી ગેસ મંગાવવાનું શરૂ તો કરી દીધું છે, પરંતુ આ લાંબી દરિયાઈ મુસાફરીના કારણે જહાજોનું ભાડું અને વીમા પ્રીમિયમ ખૂબ વધી ગયું છે, જેનાથી કુલ આયાત ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે.

